મોરબીના રાજપર અને ઘુંટુ ગ્રામ પંચાયતને ૨૦ લાખના ખર્ચે જેટિંગ મશીન અર્પણ

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના હસ્તે મોરબી જિલ્લાના ઘુંટુ તેમજ રાજપર ગ્રામ પંચાયતને જેટિંગ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.

૧૫ મું નાણાપંચ વર્ષ- ૨૦૨૨-૨૩માં જિલ્લાની ૧૦% ગ્રાન્ટમાંથી ૨૦ લાખના ખર્ચે મોરબી જિલ્લાના રાજપર તેમજ ઘુંટુ ગ્રામ પંચાયતને જેટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે જેનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, “નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યુ છે. જે હેઠળ દરેક શહેર અને ગામને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા જાળવી રાખવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જન અભિયાન હેઠળ મોરબી જિલ્લાના રાજપર અને ઘુંટુ ગ્રામ પંચાયતને ગટરની સફાઈ માટે જેટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે. આ મશીન થકી ગામમાં ગટરની સફાઈમાં સરળતા રહેશે અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહેશે.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ પંચાયતના સરપંચ અને તલાટી-મંત્રીને ચાવી અર્પણ કરી હતી તેમજ જેટિંગ મશીનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત બાળ અને મહિલા સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, અગ્રણી સર્વ જીગ્નેશભાઈ કૈલા, જેઠાભાઈ પારેઘી તેમજ જિલ્લા પંચાયતના અન્ય અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.