મોરબી ડીડીઓ ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
વાંકાનેર તાલુકાનાં હસનપર ગામે કેટલાક લોકો દ્વારા સરકારી જમીન પર દબાણ કર્યું હતું જે દબાણ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હટાવવામાં આવ્યા હતા.
આ તમામ દબાણકારોને ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવા અગાઉ નોટીસો આપી હતી તેમજ સમજૂતપ પણ કરી હતી. આમ છતાં દબાણો દૂર ન કરાતા હસનપર ગ્રામ પંચાયત દ્વારા તા-૦૬/૦૭/૨૦૨૩ ના રોજ દબાણ દૂર કરવા આખરી નોટિસ આપવામાં આવી હતી. આખરી નોટિસ આપવા છતાં દબાણો દૂર ન થતાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની રાહબરી હેઠળ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી ડી.કે. પરમાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તા. ૧૯/૦૭/૨૦૨૩ના રોજ હસનપર ગામના તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી હેઠળ હસનપર ગામે સરૈયા ભરતભાઇ મશરૂભાઈ દ્વારા ગ્રામ પંચાયતના માલઢોર પુરવાના ડબ્બાની બાજુમાં પાકી દુકાન તથા શૌચાલય બનાવીને બનાવેલું પાકું દબાણ, ભૂરીબેન હક્કાભાઈ છૂછરા દ્વારા સ્નાન ઘાટની જગ્યા પરનું દબાણ, મદ્રેસણીયા દેવરાજ લાલજીભાઇ દ્વારા સ્વચ્છતા કેન્દ્રમાં રહેણાંક કરી દબાણ, રાજેશભાઈ હકાભાઈ મુંધવા દ્વારા મંત્રીનાં ક્વાર્ટરની ખાલી જગ્યા પર પાકુ બાંધકામ કરી રહેણાક મકાન બનાવ્યાનું દબાણ, બાબરીયા ઉમેશભાઈ કેશુભાઈ દ્વારા શક્તિપરા જૂની પ્રાથમિક શાળામાં ગાયો-ભેંસો બાંધી તથા નીરણ ભર્યાનું દબાણ વગેરે દબાણ દૂર કરી ગ્રામ પંચાયતે જગ્યાનો કબજો મેળવ્યો છે.