“અમારા સખીમંડળએ જયપુર, મસુરી, દહેરાદૂન, ઉતરાખંડ વગેરે જગ્યાએ યોજાયેલ મેળામાં પણ ભાગ લીધો હતો અને સારું એવું વેચાણ કરી નફો મેળવ્યો હતો.” -કંકુબેન હમીરભાઈ ગરવા
ભારતના ઇતિહાસમાં ડોક્યું કરતાં ક્યાંકને ક્યાંક એવું વૃતાંત જોવા મળશે કે ભારતીય નારી પરિવારના સુખ-દુ:ખ સાથે વ્યાપાર ઉદ્યોગમાં પણ સહભાગીની હતી. નારી દ્વારા તૈયાર થયેલ હાથ વણાટનું કાપડ અને અન્ય વસ્તુની દેશ અને દુનિયામાં માંગ રહેતી હતી. જેમાં કચ્છના ભરતકામ વિશે તો કોણ અજાણ હશે. પરંતુ સમય જતા એમાં ક્યાંક ને ક્યાંક અવરોધ આવ્યો અને એ અવરોધે નારીને ઘરની ચાર દિવાલમાં કેદ કરી દીધી. પરંતુ સમય પોતે ચાલીને ફરી નારીના સમર્થનમાં ઉભો રહ્યો છે. આજે સરકારની સખીમંડળ જેવી યોજના થકી ઘરની નારી રાજ્યનો ઉંબરો ઓળંગીને રાષ્ટ્રિય કક્ષાએ વ્યાપાર કરી રહી છે. એમાંનુ એક ઉદાહરણ છે કચ્છનું લક્ષ્મી સખી મંડળ.
આહિર ભરતકામમાં આગવી સિદ્ધી હાંસલ પ્રાપ્ત કરનાર કંકુબેન હમીરભાઈ ગરવાએ પોતાના સાસરીયામાંથી આહિર ભરકામ શિખ્યું હતું. તેઓ પોલિસ્ટર અને કોટનનાં કાપડમાં ભરતકામ કરી રૂમાલ, ચણિયાચોલી, પર્સ, જૂમર, રજાઈ, ગોદડા-ગોદડી વગેરે જેવી વસ્તુ તૈયાર કરે છે અને એમા પારંગત બનીને તેઓ અન્યને પણ તાલીમ આપી રહ્યા છે.
કંકુબેન હમીરભાઈ ગરવા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, “અમારા દ્વારા આહિર ભરતકામ અને આભલા ભરતનું કામ કરવામાં આવે છે. પહેલા અમારા દ્વારા તૈયાર કરેલ વસ્તુનું વેચાણ આસપાસના વિસ્તાર પૂરતુ મર્યાદિત હતુ. પરંતુ સખીમંડળની રચના બાદ અમે રાજ્ય બહાર પણ વસ્તુનું વેચાણ કરીએ છીએ. સરકાર દ્વારા નારીને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવે છે. માત્ર રાજ્યમાં જ નહિ પરંતુ અન્ય રાજ્યમાં પણ આવા મેળા કરીને અમને ત્યાં વસ્તુનું વેચાણ કરવામાં સરકાર પુરતો સહકાર આપે છે. અન્ય રાજ્યમાં જવા, ટીકીટ ભાડા, રહેવા-જમવાની તમામ સગવડ રાજ્ય સરકાર કરી આપે છે. ગુજરાત રાજ્ય સિવાય અમારા સખીમંડળે જયપુર, મસુરી, દહેરાદૂન, ઉતરાખંડ વગેરે જગ્યાએ યોજાયેલ મેળામાં પણ ભાગ લીધો હતો અને સારું એવું વેચાણ કરી નફો મેળવ્યો હતો. આ ઉપરાંત કચ્છમાં ભુજહાટ અને રણોત્સવ જેવા મેળામાં પણ અમારા સખીમંડળની વસ્તુ વેચાઈ હતી અને દેશ-વિદેશના લોકોએ તેને ખરીદી હતી.”
આ બાબત દર્શાવે છે કે નારી કોઈ દિવસ સાધારણ નથી હોતી, એ ધારે તો પર્વતને પણ ઝુકાવી જાણે છે અને મોટામાં મોટા મહારથીને પણ પછાડી જાણે છે. એવી નારીની સૂતેલી નારીશક્તિને ફરી જાગૃત કરનાર ભારત સરકાર અને ભારતમાતાને શત્ શત્ વંદન.