આગામી તા. ૨૬ થી ૨૮ જુલાઈ દરમિયાન જિલ્લા ફેર બદલીમાં રાજ્યના અંદાજે ૧૨,૦૦૦ શિક્ષકોને વતનના જિલ્લામાં ફેરબદલીનો લાભ મળશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીઓની વિગતો આપતાં કહ્યું હતું કે,
રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ (તાલુકા-ફેર)નું આયોજન બે તબકકામાં કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ ૧૭,૧૭૪ શિક્ષકોએ પસંદગી મુજબના સ્થળ પર સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી બદલીનો લાભ લીધો છે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન આગામી તા.૨૬ થી તા.૨૮ જુલાઈ ૨૦૨૩ સુધી ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત ૧૨,૦૦૦ કે તેથી વધુ શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જિલ્લાફેર બદલીનો લાભ મેળવશે તેમ મંત્રીએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે,જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પમાં બે તબક્કામાં કેટેગરીવાર જે શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે તેમાં
ગંગા સ્વરૂપા/વિધુર કેટેગરીમાં ૩૪૪, દિવ્યાંગ કેટેગરી ૧૭૪, પ્રાથમિક શિક્ષક દંપતી ૧૩૮૦, સરકારી દંપતી ૩૨૦,
અનુદાનિત દંપતિ ૧૩૯, વાલ્મિકી અગ્રતા ૮૩, સિનિયોરીટી કેટેગરીમાં સૌથી વધુ ૧૪,૨૫૮ તેમજ મૂળ શાળા પરતનો લાભ ૪૭૬ એમ કુલ ૧૭,૧૭૪ શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે.