મોરબી નગર પાલિકા દ્વારા શેરી ફેરીયાના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલ લાભાર્થીઓ માટે કરાયું ખાસ કેમ્પનું આયોજન

૪૦૦ જેટલા લાભાર્થી પરિવારોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા આવેદન કર્યું

મોરબી નગરપાલિકા દ્વારા શેરી ફેરીયાના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલ લાભાર્થીઓને એક જ સ્થળે નિયત સમયે તમામ યોજનાઓનો લાભ એકી સાથે મળી રહે અને તેમની રોજગારી પર અસર ન થાય તે માટે તા.૨૦ અને ૨૧ જુલાઈ ૨૦૨૩ દરમ્યાન બે દિવસીય કેમ્પનું આયોજન કાયાજી પ્લોટ સ્થીત કોમ્યુનીટી હોલ ખાતે કરાયું હતું.

ભારત સરકારની પી.એમ સ્વનિધી યોજના અંતર્ગત શહેરી શેરી-ફેરીયાઓને ધંધા-વ્યવસાયમાં મદદરૂપ થવા પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦ અને પછીથી ૨૦,૦૦૦ ત્થા ૫૦,૦૦૦ એમ ત્રણ તબક્કામાં નિયમીત લોન ભરપાઈ થયેથી ક્રમશઃ બેંક મારફત લોન અપાવવામાં આવે છે.

પી.એમ. સ્વનિધી યોજનાનું અમલીકરણ જે-તે નગરપાલિકા તથા બેંકો દ્વારા કરવામાં આવતું હોય છે. આ લોનનો લાભ મેળવેલ તથા સોશીયોઇકોનોમિક પ્રોફાઈલ અંતર્ગત સર્વે થયેલ ફેરિયાઓ અને તેમના પરિવાર-જનોને સરકારશ્રીની અન્ય યોજનાઓ જેવી કે પી.એમ. સુરક્ષા વીમા યોજના, પી.એમ. જીવન જ્યોતિ વીમા યોજના, પી.એમ. જનધન યોજના, શ્રમયોગી માનધન યોજના, વન નેશન વન રેશન કાર્ડ યોજના, માતૃવંદના અને જનની સુરક્ષા યોજના, બાંધકામ શ્રમયોગી કલ્યાણ યોજના વગરેનો લાભ અપાવવા ખાસ કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે.

        આયોજિત કેમ્પ દરમિયાન અંદાજે ૪૦૦ જેટલા લાભાર્થી પરિવારોએ હાજરી આપી  વિવિધ યોજનાઓનો લાભ લેવા આવેદન કર્યું હતું. અને આગામી સમયમાં પણ આવા કેમ્પોના આયોજન થકી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે મોરબી નગરપાલિકાએ આ તકે તત્પરતા દર્શાવેલ હતી. તેમ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરની અખબારી યાદીમાં જણાવાયું હતું.