બાગાયતી ખેડૂતોને ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની નવી જાહેર થયેલી યોજનામાં “ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ” અંતર્ગત સહાય આપવામાં આવી રહી છે.
“ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ” અંતર્ગત ચાલુ વર્ષે ખેડૂતો આંબા અને જામફળ પાકમાં, ઘનિષ્ઠ ખેતી પધ્ધતિ અપનાવે તેમજ કેળપાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી અપનાવી ખેતી કરે તેવા ઉદેશ સાથે ખેડૂતોને આંબા અને જામફળ ફળપાકની કલમો તથા કેળ પાકમાં ટીસ્યુ રોપામાં સહાય આપવામાં આવશે.
આંબા પાકમાં કલમ દીઠ રૂ.૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાને લઈ રૂ. ૪૦,૦૦૦ પ્રતિ હેક્ટર જેમાં ઓછામાં ઓછા ૪૦૦ કલમો/હે. તેમજ જામફળ માટે કલમ દીઠ રૂ.૮૦ ઓછામાં ઓછા ૫૫૫ કલમો/હે. માટે અને રૂ. ૪૪,૦૦૦ પ્રતિ હેક્ટર અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે. ઉપરાંત પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકની ખેતી આંતરપાક તરીકે કરવામાં આવે તો આંબા પાકમાં રૂ.૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર અને જામફળ પાકમાં રૂ. ૬૦૦૦ પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે.
કલમો કૃષિ યુની./બાગાયત ખાતાની નર્સરી/NHB માન્ય નર્સરીમાંથી ખરીદી કરવાના રહેશે. કેળ પાકમાં ટીસ્યુ રોપા દીઠ થયેલ ખર્ચ પૈકી મહતમ રૂ.૫ ઓછામાં ઓછા ૩૦૦૦ રોપા માટે રૂ. ૧૫,૦૦૦/હેક્ટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. ટીસ્યુકલ્ચર રોપા DBT માન્ય ટીસ્યુ લેબ અથવા GNFC, GSFC, કૃષિ યુની. ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર લેબ પાસેથી ખરીદવાના રહેશે.
આ ઘટકોમાં સહાય મેળવવા તા. ૧૮/૭/૨૦૨૩ થી ૧૭/૮/૨૦૨૩ સુધીમાં I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરી. અરજીપત્રક સાથે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબી ના સરનામે રજુ કરવાના રહેશે. તેમ મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.