મોરબી માર્કેટ યાર્ડના વેપારીઓની સમસ્યાઓનો ઉકેલ કોણ લાવશે ?

માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગ માં બિસ્માર રસ્તા અને યાર્ડ ગેટ બહાર સીધું વાહનમાં વેચાણ કરવા દેવાતા દુકાન ધારકો ના હિતને ગંભીર નુકશાન

મોરબી માર્કેટિંગ યાર્ડ શાકભાજી વિભાગ માં પ્રવેશવાના રસ્તામાં મસ-મોટા ખાડા લાંબા સમયથી પડેલ છે. જે અંગે યાર્ડ કર્મચારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ખાડા પૂરવા બાબત કામગીરી હજુ સુધી થયેલ નથી. જેના લીધે નાના વાહન ચાલકો જેવાકે બાઈક સવાર અને લારી વાળા ગ્રાહક રસ્તો પાર કરતાં પણ વિચાર કરે છે. જે અંગે ત્વરિત કામગીરીની માંગ માર્કેટિંગ યાર્ડ શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન દ્વારા કરાય છે.

સામાં પક્ષે યાર્ડ સતાધીશો દ્વારા યાર્ડ અંદરની દુકાન ધારકોના હિતને નુકશાન પહોચાડવાના મલિન ઇરાદા સાથે યાર્ડના ગેટ પાસે બહાર, સીધા વાહન દ્વારા વેચાણ કરવા પર કોઈ રોક-ટોક ન રાખતા, ટ્રક કે અન્ય વાહન દરવાજા પાસે ઉભુ રાખી સીધું વેચાણ કરવા દેતા, ગ્રાહકો અંદર પડેલ ખાડા અને બિસ્માર રસ્તા અને ગંદકી ને કારણે બહારથી જ ખરીદ કરવાનું પસંદ કરતા, દુકાન ધારક વેપારીઓના હિતને નુકશાન પહોચાડાય રહ્યું છે.

યાર્ડ અધિકારી, કર્મચારી કે ચૂંટાયેલ પ્રતિનિધિઓ ને ગ્રાહક, દુકાન ધારકો ની પરેશાની દેખાતી ન હોઈ, જો ત્વરિત કામગીરી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રાર અને કલેકટરને રજૂઆત કરવાની ફરજ પડશે તેવો દ્રઢ નિર્ધાર શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન દ્વારા વ્યક્ત કરાયો છે.