કિશોરીઓને કિશોરી મેળો, હેલ્થ ચેકઅપ કેમ્પ, THR, પોષણ તથા આરોગ્ય વિષયક માહિતી અપાઈ
મહિલા અને બાળ વિભાગ દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા તા.૦૨/૦૮/૨૦૨૩ ના શ્રી એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલ મોરબી ખાતે સવારે ૧૧:૩૦ કલાકે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ થીમ હેઠળ કિશોરી મેળો, હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ કિશોરીઓને THR વિષે પોષણ તથા આરોગ્ય વિષયક માહિતી આપવા અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ દ્વારા સમાજમાં દીકરી જન્મના પ્રોત્સાહન તેમજ દીકરીઓ શિક્ષિત બને તે માટે બહેનોને માર્ગદર્શન આપી સરકારના આ અભિયાનમાં સહભાગી બનવા સૌને હાકલ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે દ્વારા દીકરીઓ પોતે પોતાના આરોગ્ય માટે કાળજી રાખે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઇ.સી.ડી.એસ. વિભાગના ડો. ડી.વી. બાવરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડી કેન્દ્ર પરથી આપવામાં આવતા પૂર્ણા શક્તિ (ટેકહોમરાશન)ના ફાયદા તથા પૂર્ણા શક્તિનો ઉપયોગ દરેક કિશોરીઓ કરે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યકમમાં ૨૦૦ થી વધુ કિશોરીઓનું એચ.બી, આરોગ્ય તપાસ તથા બ્લડ ગ્રુપની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી. એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સીપાલ ઉષાબેન જાદવ અને સ્ટાફ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કિશોરીઓ જોડાઈ હતી.