સરકારે અમારા જેવા નાના માણસો માટે આવાસ યોજના બનાવીને ખૂબ મોટું કામ કર્યું છે – કુંવરબેન પરમાર
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ગરીબ વર્ગના પરિવારોને ઘર બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય કરવામાં આવે છે. સામાન્ય માણસને રહેવા માટે પોતાનું ઘરનું ઘર મળી શકે તેવા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જનજન સુધી પહોંચી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાએ મોરબીના બેલા (આમરણ) ગામના રહેવાસી કુંવરબેન પરમારનું સ્વપ્ન સાકાર કર્યુ છે. સામાન્ય સ્થિતિમાં જીવતા કુંવરબેન પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સહાયનો લાભ મળતા તેઓ પોતાનું પાકું મકાન બનાવી શક્યા છે.
સરકારનો આભાર વ્યક્ત કરતા લાભાર્થી કુંવરબેન પરમારે જણાવ્યું હતું કે, મારે ચાર દીકરા અને બે દિકરી સંતાનોમાં છે. અમારે રહેવા કાચું મકાન હતું. જેમાં એક રસોડુ, રૂમ અને ઓસરીનો સમાવેશ થતો હતો. તે મકાન ખુબજ ભયજનક સ્થિતિમાં હોય ગમે ત્યારે મકાનમાં સાપ, વીંછી અને અન્ય જીવ જંતુઓ ઘરમાં પ્રવેશવાનો ભય રહેતો હતો. દરમિયાન અમને ગ્રામ સેવક દ્વારા આ યોજનાની માહિતી અને તેના ફાયદાઓ વિશે જાણ કરવામાં આવી હતી અને અમને આ યોજનાકીય સહાય વિશે જણાવ્યું તેમજ અમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે તે વિશે પણ જણાવ્યું. આ કામમાં તાલુકા પંચાયત કચેરી મોરબીના કર્મચારીનો અમને ખૂબજ સહકાર મળ્યો હતો તે બદલ અમે તેમના આભારી છીએ.
ત્યારબાદ આ સમયે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં માંરૂ આવાસ મંજૂર થયેલ હતું. જેમાં મને રૂ.૩૦,૦૦૦ નો પ્રથમ હપ્તો મળેલ હતો. અને ઘરનું કામ ચાલુ કરેલું હતું. ત્યાર બાદ વિવિધ તબક્કે અમને યોગ્ય હપ્તા મળતા રહ્યા. મે અને મારા પરિવારે સંતોષકારક રીતે અમારા આવાસનું કામ પૂરું કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રૂ.૧,૨૦,૦૦૦, તેમજ ૧૦૦ દિવસની માનરેગાની રોજગારી મળેલ હતી. જેમાં ૧ દિવસના રૂ. ૨૩૯ મળેલ હતા. ઉપરાંત ટોયલેટ બનાવવાની સહાય અલગથી મળેલ હતી.અમે અમારું આવાસ ૬મહિનાની અંદર પૂર્ણ કરેલ તે બદલ અમને પ્રોત્સાહન સ્વરૂપે રૂ. ૨૦,૦૦૦ અલગ થી મળેલ હતા.
જુના મકાનમાં કોઈ મહેમાનને આશરો પણ આપી શકાતો ન હતો. નવા મકાનથી અમારું કુટુંબ ખૂબ જ ખુશાલી ભર્યું જીવન જીવી રહ્યું છે. સરકારે અમારા જેવા નાના માણસો માટે આ યોજના બનાવીને ખૂબ મોટું કામ કર્યું છે. અમે સમાજમાં એક સારું, પાકું સન્માનજનક આવાસ ધરાવીએ છીએ. જે અમારી દીકરીઓને રક્ષણ પૂરું પાડી રહ્યું છે ઉપરાંત અમારા બાળકોને શિક્ષણમાં પણ મદદરૂપ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના સહયોગથી અમારા સપનાનું ઘર બનાવી શક્યા. આમ, સામાન્ય માણસની સુખાકારી અને સ્વપ્નના ઘરનો પાયાનો આધાર બની રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના.