સમાજમાં તમામ ક્ષેત્રે સ્ત્રીઓ સ્વમાનભેર અગ્રેસર
પંચાયત ગ્રામ ગ્રુહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૩ ના “મહિલા નેતૃત્વ દિવસ” અન્વયે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરતી મહિલાઓ સાથે ઉપસ્થિત પ્રેક્ષક મહિલાઓના સંવાદ અંગેના સેમીનારનું આયોજન જિલ્લા પંચાયત ભવન, સભાખંડ-મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં સમાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારધીએ આજે વિશ્વમાં અલગ-અલગ ક્ષેત્રે નેતૃત્વ કરી રહેલી મહિલાઓનું ઉદાહરણ આપી બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ દ્વારા સમાજમાં દરેક સ્ત્રીઓ સ્વમાનભેર જીવન જીવી શકે તેવા પ્રયત્ન કરવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આ તકે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વપ્રદાન કરતી મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોટેક્શન ઓફીસર નિલેશ્વરીબા ગોહિલ દ્વારા જાતિ બાધની સીમા પાર કરી આજે સ્ત્રીઓ પણ સારૂં નેતૃત્વકરી શકે છે તે બાબતની સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સંચાલન દર્શનાબેન જોશીએ કરેલ હતુ. આ કાર્યક્રમ માં મહિલા અને બાળ સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મોરબી તાલુકા વિકાસ અધિકારી દિપાબેન કોટક, અગ્રણીઓ ડો. હસ્તીબેન મહેતા, જયાબેન જારીયા, હસીનાબેન લાડકા તથા મોરબી જિલ્લામાં મહિલા નેતૃત્વ કરતા ૧૩ ગ્રામ પંચાયતના મહિલા સરપંચશ્રી હાજર રહ્યા હતા.