રિપોર્ટર પંડયાજી વાંકાનેર : સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વાંકાનેર નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નેહરુ ગાર્ડન ખાતે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
વીરોને વંદન કરવાના ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ વાંકાનેર ખાતે અન્વયે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં શિલાફલકમ્ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ તકે ધારાસભ્યએ વીરોને અંજલી આપીને તેમના બલિદાન તથા દેશસેવાને બિરદાવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ વસુધા વંદન કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં વાંકાનેરની માટીને એકત્ર કરવામાં આવી હતી. શાળાની બાળાઓ દ્વારા માથે કળશ લઈ તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી. ઉપરાંત નગરપાલિકા દ્વારા ઉભા કરાયેલા સેલ્ફી પોઈન્ટ પર પણ સૌએ સેલ્ફી લીધી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સાથે વાંકાનેર નગરપાલિકાનાં ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, મામલતદાર ઉત્તમભાઈ કાનાણી સહિત સ્થાનિક આગેવાનો તથા શહેરીજનોએ ભાગ લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.