લાયબ્રેરીમાં મેગેઝિન્સ, અખબારો અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં પુસ્તકો રાખવામાં આવ્યા છે – તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ
મોરબી જિલ્લાની હળવદ તાલુકા પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં કચેરીમાં આવતા મુલાકાતીઓ અને ગ્રામજનો માટે પ્રતીક્ષાકક્ષ કમ લાઈબ્રેરી તૈયાર કરીને ખુલ્લી મૂકવામાં આવી છે.
લોકોમાં વાંચન પ્રત્યે રુચિ જન્મે અને ખાસ કરીને તાલુકા પંચાયતમાં ઘણી વખત અરજદારો આવે ત્યારે અધિકારી કે કર્મચારી વ્યસ્ત હોય ત્યારે ત્યાં બેસીને વાંચન કરી સમયનો સદુપયોગ કરે તેવા હેતુથી લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે
આ બાબતે હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવે જણાવ્યું હતું કે, અમારી તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ કામ અર્થે આવતાં મુલાકાતીઓને ઘણી વાર થોડો સમય રાહ જોવાની થતી હોય છે. આ દરમિયાન મુલાકાતીઓને જ્યાં ત્યાં બેસવું ન પડે તે માટે પ્રતીક્ષાકક્ષ તૈયાર કરેલ છે. મુલાકાતીઓ પ્રતીક્ષાના સમયમાં વિચારભાથું લઈને જાય તેવા આશયથી પ્રતીક્ષાકક્ષમાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવેલ છે.
આ લાયબ્રેરીમાં મેગેઝિન્સ, અખબારો અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં પુસ્તકો રાખવામાં આવેલ છે. વધુમાં નવતર પ્રયોગ રૂપે ડિજિટલ લાયબ્રેરી પણ શરૂ કરવામાં આવેલ છે. જેમાં QR code સ્કેન કરીને વિવિધ વિષયને લગતા બ્લોગ, માહિતીપ્રદ વેબ સાઇટ્સ, રસપ્રદ યુ ટ્યુબ ચેનલ, ઇ બુક્સ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સાહિત્ય વગેરેનો લાભ લઈ શકાશે. આ લાયબ્રેરીમાં ફ્રી અનલિમિટેડ વાઈ-ફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવને આ વિચાર આવ્યો હતો. જે માટે તાલુકા પંચાયતના સ્ટાફે હર્ષભેર સહકાર આપી માત્ર દસ દિવસ જેટલાં ગાળામાં તમામ કામ શ્રમદાન કરીને જાતે પૂર્ણ કર્યું હતું. તાલુકા વિકાસ અધિકારીએ હળવદના નાગરિકોને આ વ્યવસ્થાનો લાભ લેવા તેમજ જરૂરી સહયોગ આપી લાઈબ્રેરીને વધુ સમૃદ્ધ બનાવવા અપીલ કરી છે.