રેંજ કચેરીમાંથી સર્વે સેટલમેન્ટ અહેવાલમાં હક્ક હીત ધરાવતા અગરિયાઓએ અગરકાર્ડ મેળવી લેવાના રહેશે, અભયારણ્ય વિસ્તારમાં અગરકાર્ડ સિવાયના ઇસમો પ્રવેશ કરશે તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
ઘુડખર અભયારણ્ય વિસ્તારનો સર્વે સેટલમેન્ટ અહેવાલ અધિક કલેકટર સર્વે અને સેટલમેન્ટ ઘુડખર અભયારણ્ય, સુરેન્દ્રનગર દ્વારા સરકારમાં રજૂ કર્યો છે. જે અહેવાલને માન્ય ગણી અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સર્વે સેટલમેન્ટ અહેવાલમાં હક્ક હિત ધરાવતા અગરિયાઓને અગરકાર્ડ આપી પ્રવેશ આપવાની સૂચના છે. આ સૂચના મુજબ સર્વે સેટલમેન્ટ હક્ક હીત ધરાવતા અગરિયાઓને અગરકાર્ડ આપવાની પ્રક્રિયા ચાલુ છે. જે અગરકાર્ડ ધરાવતા અગરિયાઓને જ આગામી નવી સિઝનથી અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ આપવાનો રહે છે.
ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રાની વિભાગીય કચેરી ખાતે ગ્રામ પંચાયતો તથા સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ તથા પાટણ જિલ્લાના અરજદારો દ્વારા કચ્છના નાના રણમાં જઈ વર્ષોની પરંપરા મુજબ મીઠાની ખેતીનું મુહૂર્ત અને મીઠાની સિઝન શરૂ કરવા બાબતે રજૂઆતો કરવામાં આવી છે.
આથી સર્વે સેટલમેન્ટ અહેવાલમાં હક્ક હિત ધરાવતા અગરિયાઓએ રેંજ કચેરીમાંથી અગરકાર્ડ મેળવી લેવાના રહેશે. તથા અગરકાર્ડ ધરાવનાર વ્યક્તિને જ અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવશે. આ સિવાયના ઇસમો અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરશે તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ નાયબ વન સંરક્ષક, ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રાની યાદીમાં જણાવાયું છે.