ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો પર મનાઇ ફરમાવવામાં આવી
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જેથી શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાનાર છે. બાદમાં ગણપતિજીની સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભાવિકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જેમાં અમુક ભાવિકો દ્વારા સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યાના ત્રીજા દિવસે, પાંચમા દિવસે, સાતમા દિવસે અને મોટાભાગના ભાવિકો દ્વારા ૨૯/૦૯/૨૦૨૩ના રોજ મૂર્તિઓના વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓનું તળાવ/નદીમાં પધરાવી વિસર્જન કરવામાં આવનાર છે.
આ મહોત્સવને અનુલક્ષીને મૂર્તિકારો દ્વારા અગાઉથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. દરમિયાન મૂર્તિ સ્થાપના સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહીં તેમજ કોઈપણ ધર્મની ધાર્મિક લાગણી દુભાય નહીં તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવામાં ન આવે અને મૂર્તિઓની ઊંચાઈ બાબતે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની ગાઇડલાઇન્સ મુજબ મળતી પ્રતિમાની ઊંચાઈ નક્કી કરવા/વેચવા/સ્થાપના કરવા તેમજ જાહેર માર્ગ પર પરિવહન કરવા બાબતે ઉપરાંત મૂર્તિ બનાવવા માટે કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ થયો હોય આવી મૂર્તિઓને નદીઓ/તળાવોના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો, માછલીઓ તેમજ મનુષ્યને પણ નુકસાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવો અને નામ. સુપ્રીમ કોર્ટ દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઈડલાઈનને ધ્યાને લઈ ગણેશ મહોત્સવ નિમિતે મુર્તિના વિસર્જનના કારણે પર્યાવરણ જાળવણી, જળ સ્ત્રોતમાં થતુ પ્રદૂષણ અટકાવવા તેમજ જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે ફોજદારી કાર્ય સંહિતાની કલમ-૧૪૪ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવું જરૂરી જણાય છે.
મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડી મોરબીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
ભગવાનશ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સિન્થેટીક તથા પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા ઉપર, નક્કી કરેલ વિસર્જન સ્થળો અને લીધેલ મંજૂરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઈ દરિયા, નદી, તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યા એ વેંચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા ઉપર, તેમજ મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર, શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના બાદ મૂર્તિકારોએ વેચાણમાં લીધેલ અથવા ખંડિત થયેલ મૂર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મૂકવા ઉપર, કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા/ખરીદવા/વેચવા/સ્થાપના કરવા ઉપર, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતાં વધુ દિવસ રાખવા ઉપર, મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવા ઉપર, સ્થાપના બાદ વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમિટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના વિસર્જન સરઘસ યોજવા વગેરે કૃત્યો પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓ વિસર્જન કરવા કુત્રિમ તળાવો તથા કુવા બનાવવા યોગ્ય કાર્યવાહી કરવી અને મૂર્તિઓનો વિસર્જન કુત્રિમ તળાવ તથા કુત્રિમ કુવાઓમાં કરવાનું રહેશે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની ગાઈડલાઈન મુજબ મૂર્તિની ઊંચાઈ રાખવાની રહેશે.
આ જાહેરનામનો ભંગ કરીને કોઈ મૂર્તિકાર કે વિક્રેતાઓ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરેલ મૂર્તિઓ ધ્યાનમાં આવશે તો તે સમયે જ જપ્ત કરવામાં આવશે.
આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ બિનજામિન લાયક ગુન્હા માટે શિક્ષાને પાત્ર થશે. તેવું મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા બહાર પાડેલું આ જાહેરનામું ૩૦/૦૯/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.