જાણીતા કલાકારો દ્વારા ગીત-ગઝલ-મુશાયરાની રંગારંગ મહેફિલ જામશે
મોરબી : દરેક તહેવારોની અનોખી ઉજવણી માટે સમગ્ર મોરબીવાસીઓ માટે રોલ મોડેલ તરીકે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી હોળી-ધુળેટીની ગીત, ગઝલ અને સાહિત્યની મહેફિલ સાથે ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને હોળીની રાત્રે વસંતોત્સવ ઉજવાશે. વસંતોત્સવમાં જાણીતા કલાકારો દ્વારા ગીત-ગઝલ-મુશાયરાની રંગારંગ મહેફિલ જામશે.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હોળીની રાત્રે એટલે કે તા.17 માર્ચને ગુરુવારે રાત્રે 9-30 કલાકે સ્કાઈ મોલ, શનાળા રોડ મોરબી ખાતે વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હોળીમાં ફાગુન ગીતો ગાવાની વર્ષોથી પરંપરા હોવાથી હોળીની રાત્રે ફાગુનના ગીતો તેમજ સાહિત્યની જમાવટ કરવામાં આવશે. જેમાં ગીત-ગઝલ-મુશાયરાની રંગારંગ મહેફિલ જામશે. આ મહેફિલમાં વોઇસ ઓફ જગજીતસિંહ તરીકે જાણીતા ડો. શૈલેષભાઈ રાવલ અને હરફનમોલા ગુજરાત ગૌરવ સિંગર યુનુસભાઈ શેખ તેમજ સ્વર સમ્રાટ વર્સટાઇલ સિંગર સાહિલભાઈ બ્લોચ પોતાની ગાયકીના જાદુથી ગીત, ગઝલ અને સાહિત્યની મહેફિલમાં ચાર ચાંદ લગાવશે. તેથી તમામ મોજીલા મોરબીવાસીઓ આ ગીત-સંગીતથી ભરપૂર કાર્યક્રમને માણવા માટે સ્કાઈ મોલ ખાતે પધારવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ આ અંગે જણાવ્યું હતું કે, હોળી જ એક એવો ઉત્સવ છે કે જે માનવમનમાં અનેરી ઉર્જાનો રંગ ભરી દે છે. હોળી એટલે ફાગળ મહિનો, વસંતનું આગમન. વસંત એટલે જીવનમાંથી તમામ હતાશાઓ દૂર કરીને હૈયે પ્રેમનો ઉમળકો આવે છે.એમાંય ફાગુન મહિનામાં તો આપણે ત્યાં વર્ષોથી ફાગ ગાવાનો મહિમા છે. રાજસ્થાનના ફાગુનના રસભર્યા મધુર ગીતો આખા દેશમાં પ્રચલિત છે. ફાગુનમાં વર્ષોથી જે ફાગ ગવાઈ છે. તેને સાહિત્યમાં વિશેષ સ્થાન અપાયું છે. આ ફાગમાં કોઈનું દિલ ન દુભાઈ તે રીતે માત્ર હળવી માર્મિક ટકોર કરવામાં આવે છે. ફાગ ગાવા એ આપણી ભારતીય સંસ્કૃતિનું સોહાર્દ છે. એટલે જ આ પરંપરા જાળવી રાખવા માટે અને ફાગુનના સાહિત્યને ઉજાગર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ એક નાનકડી પહેલ કરવામાં આવી છે.