મોરબીમાં જન ભાગીદારીથી સ્વચ્છતા અભિયાન હેઠળ કરવામાં આવી રહ્યા છે વિવિધ આયોજનો
રાજ્યવ્યાપી સ્વચ્છતા એજ સેવા અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો થકી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના તેમજ આ અભિયાનમાં જનભાગીદારથી કાર્યક્રમ સફળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હાલમાં જ મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાનના ભાગરૂપે નદી-નાળાની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળાની સઘન સફાઈ કરવામાં આવી હતી.
ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૫ ઓક્ટોબરથી બે માસ માટે ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આ અભિયાન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નદી-નાળાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અન્વયે જન ભાગીદારીને સવિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ નદી-નાળાની સફાઈમાં ગ્રામીણ વિસ્તારના લોકો, સરપંચ તેમજ સ્થાનિક અગ્રણી સહિતના લોકો જોડાયા હતા અને નદી-નાળાની સફાઈ કરી રળિયામણા બનાવવા પ્રયાસ હાથ ધર્યો હતો.