
ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે. આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે. ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે.

જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે, તો ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. ટેક્સટાઈલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે. ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે. આ બાબતનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આ ટ્રેડ ડીલને રદ્દ કરવાની માંગણી કરે છે.
જો આ ડીલ રદ ન થઈ તો, આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ટ્રેડ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન કરશે. દેશના સાર્વભૌમ હિતોને ગીરવે મૂકવા જેવા કોઈપણ પગલાં સામે લોકમત ઊભું કરવામાં આવશે અને ખેડૂતોના હિતોની રક્ષા માટે મજબૂત લડત લડવામાં આવશે.





