મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા હળવદમાં શ્રી તક્ષશિલા વિદ્યાલય ખાતે બાળકોને યૌન અપરાધોથી સુરક્ષિત રાખવા માટે બનાવેલા પોક્સો (POCSO) અધિનિયમ – ૨૦૧૨ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અન્વયે પોક્સો કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી કે, આ કાયદો બાળકોને યૌન શોષણ, હેરાનગતિ તથા અશ્લીલ પ્રદર્શન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સુરક્ષા આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ બાળકોના હિતોને સુરક્ષિત રાખવા માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. ખાસ કરીને માતા–પિતા, શિક્ષકો તેમજ સમાજના દરેક વર્ગને બાળકો સાથે સકારાત્મક વાતચીત રાખવા, તેમની સમસ્યાઓને સમજવા અને શોષણ જેવી ઘટનાઓને અવાજ આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં પોક્સો કાયદા અંતર્ગત ગુનાઓની તરત જ પોલીસ પાસે જાણ કરવાની ફરજિયાત જોગવાઈ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.







ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓ અને મહિલાઓ માટેની વિવિધ હેલ્પલાઇન નંબર તથા તાત્કાલિક સહાય માટે ઉપલબ્ધ અન્ય સેવાઓની જાણકારી તથા SHE ટીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેવું મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.



