મોરબીના શનાળા રોડ પર રંગોલી આઈસ્ક્રીમ નજીક યુવાન જતીન સોનીની થયેલી કરપીણ હત્યાના કેસમાં પોલીસને ગણતરીના કલાકોમાં જ મોટી સફળતા મળી છે. માત્ર વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં છરીના ત્રણ ઘા ઝીંકી આ હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને હસ્તગત કર્યા છે. સમગ્ર મામલે ડીવાયએસપી જે.એમ. આલે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપી છે.

ગત રાત્રે મોરબીના શનાળા રોડ પરથી પસાર થતી એક ફોર વ્હીલ કાર અને એક્સેસ મોટરસાઇકલ વચ્ચે ઓવરટેક કરવાની બાબતે અચાનક બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક્સેસ પર સવાર બે સગીર વયના શખ્સોએ ઉશ્કેરાઈ જઈ જતીન સોની પર છરી વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દેતા જતીન સોની ગંભીર રીતે ઘાયલ થયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને સગીર આરોપીઓને શોધી કાઢ્યા હતા. પોલીસે હત્યામાં વપરાયેલ એક્સેસ મોટરસાઇકલ અને છરી પણ કબજે કરી લીધી છે. હાલ વધુ તપાસ તપાસનીશ અધિકારી આર.એસ. પટેલ ચલાવી રહ્યા છે. આરોપીઓ બંને સગીર હોવાનું સામે આવ્યું છે. જેમાં એકની ઉંમર 17 વર્ષ 5 મહિના છે, જ્યારે બીજો આરોપી 18 વર્ષ પૂર્ણ થવામાં માત્ર એક અઠવાડિયું ઓછું છે. કાયદેસરની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓના નિવાસસ્થાને દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં 22 જેટલા બિયર ટીન અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. આ મામલે એ-ડિવિઝન પોલીસ દ્વારા અલગ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.






