
બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયંસેવકોએ યુ.એ.ઈ. અને કુવૈતમાં ફસાઈ ગયેલા ભારતીય યાત્રિકોને ભોજન, દવા, આવાસ, ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

આ કોઈ કહાની નથી, પરંતુ એક વાસ્તવિક અનુભૂતિ અને પરિસ્થિતિનું બયાન છે.
વાત માત્ર એક અઠવાડિયા પહેલાંની છે.
27 ફેબ્રુઆરીએ અબુધાબી ખાતે બી.એ.પી.એસ. હિન્દુ મંદિરના આસપાસના વિસ્તારનાં વિકાસનાં કાર્યો અંગે સરકારશ્રી તેમજ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી સાથે વિમર્શ થઈ રહ્યો હતો. મંદિરની આસપાસની વિશાળ ભૂમિ પર બસસ્ટોપ્સ, રેલવેસ્ટેશન્સ, પાર્ક્સ, શોપિંગ મોલ્સ વગેરેનાં આયોજનો થઈ રહ્યાં હતાં. ત્યાં સુધી કોઈને કલ્પના નહોતી કે અહીં યુદ્ધનાં વાદળો ઘેરાઈ જશે. પરંતુ 28મીએ અચાનક ઈરાન વિરુદ્ધ યુદ્ધનો પ્રારંભ થઈ ગયો અને યુ.એ.ઈ. પણ તેની જ્વાળાઓમાં આવી ગયું. શરૂઆતમાં એવી ધારણા હતી કે આ યુદ્ધ એક નાના છમકલાં જેવું રહેશે, પરંતુ એવું ન બન્યું. યુદ્ધનો માહોલ વધુ ઘાતક બની ગયો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને તેની જાણ થતાં જ તેમણે અબુધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિર ખાતે સૂત્ર સંભાળી રહેલા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને સંતોને ફોન કર્યો. તેમણે સૌને હિંમત આપીને ભગવાનમાં શ્રદ્ધા દૃઢ રાખી સેવા માટે કટિબદ્ધ કર્યા. તેમણે કહ્યું કે, આવી આપત્તિમાં આપણે ભક્તિ અને પ્રાર્થના તો કરીએ, પરંતુ યુદ્ધના આ સંજોગોમાં સમાજની સાથે રહીને સૌને હૂંફ આપીએ, જરૂરી મદદ કરીએ અને સૌને ધીરજ આપીએ. આથી યુદ્ધના આ વાતાવરણમાં મંદિર છોડીને ભારત આવવાને બદલે તેમણે બી.એ.પી.એસ. સંસ્થાના અબુધાબી સ્થિત સર્વે સંતોને ત્યાં જ રોકાઈને યથાયોગ્ય સેવા કરવા માટે આજ્ઞા કરી.
ઉલ્લેખનીય છે કે મંદિરની આસપાસનો લગભગ 20-25 કિ.મી.ની પરિધિનો વિસ્તાર મિલિટરી બેઝ છે, જેમાં યુ.એ.ઈ. ઉપરાંત યુ.એસ.એ., યુ.કે., ફ્રાંસ વગેરેના પણ મિલિટરી બેઝ છે. આથી, ઈરાન દ્વારા આવતા મિસાઈલ્સનો પ્રતિકાર કરતા એન્ટીમિસાઈલ્સ આ મિલિટરી બેઝ દ્વારા છોડવામાં આવે તે બધું જ મંદિરની આસપાસના વિસ્તારમાં જ ભયંકર ધડાકાઓ સાથે ચાલતું રહ્યું. પરિણામે ક્યારેક તોડી પાડેલી મિસાઈલ્સના તૂટેલા ભાગો મંદિરની આસપાસનાવિસ્તારમાં આવી પડ્યા. આવા સંજોગોમાં મંદિરનાં દર્શનાર્થે આવતા હજારો દર્શનાર્થીઓ તેમજ સ્વયંસેવકોની સુરક્ષા જળવાય તે માટે સરકારશ્રી તેમજ સુરક્ષાદળો સાથે ચર્ચા કરી બી.એ.પી.એસ. સંસ્થાએ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું, પરંતુ અંદર પૂજા-પાઠ વગેરે રાબેતા મુજબ ચાલુ રાખ્યું.
શરૂઆતમાં બે-ત્રણ દિવસ માટે આવી વ્યવસ્થા વિચારવામાં આવી હતી. પરંતુ યુદ્ધનો સમય વધુ લંબાતા એ સમયમર્યાદા પણ વધારવી અનિવાર્ય બની. ક્યારેક લશ્કર દ્વારા નજીકના આકાશમાં માત્ર 14 જ મિનિટમાં 28 પ્રક્ષેપાસ્ત્રો ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા અને વાતાવરણ વધુ ભયજનક બન્યું. આવા સંજોગોમાં યુ.એ.ઈ.ની સરકાર દ્વારા ખૂબ સહયોગ આપવામાં આવ્યો.
મંદિર સાથે સંકળાયેલા હજારો લોકોને સતત અનિશ્ચિતતા અને ભય ભરેલા આવા વાતાવરણમાં સૌથી વધુ આશ્વાસન મળ્યું – પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પૂરી પાડેલી સતત પ્રેરણાથી. 93 વર્ષની ઉંમરે પણ તેઓ રોજ દિવસમાં બે વખત ફોન કરીને અડધો-પોણો કલાક સૌને હિંમતનું ભાથું બંધાવતા રહ્યા. તેઓ સૌને હૂંફ અને બળ આપતાં કહેતા રહ્યા કે ‘ભગવાનમાં શ્રદ્ધા દૃઢ રાખજો. થોડા દિવસ આવું વાતાવરણ રહેશે. પરંતુ પછી પૂર્વવત્ શાંતિ સ્થપાઈ જશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સૌની રક્ષા કરે.’ ક્યારેક રાત્રે સાડા અગિયાર વાગે, ક્યારેક વહેલી સવારે સાડા છ વાગે ફોન કરીને તેમણે નકારાત્મક વાતાવરણ વચ્ચે એક સકારાત્મક અને હકારાત્મક પ્રેરણા પૂરી પાડી સૌને સેવામાં કટિબદ્ધ રાખ્યા. તેઓની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયંસેવકોએ યુ.એ.ઈ. અને કુવૈતમાં ફસાઈ ગયેલા ભારતીય યાત્રિકોને ભોજન, દવા, આવાસ, ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘણા ભારતીયોને ઓમાન કે સાઉદી અરેબિયાના માર્ગે ભારત પહોંચાડવામાં પણ આ સ્વયંસેવકોએ ઉત્તમ સેવા બજાવી છે.
આ ઉપરાંત યુ.એ.ઈ. ખાતેના ભારતીય રાજદૂતાવાસમાં બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયંસેવકોએ સેવા આપીને અહીં આવતા હજારો ભારતીયોને માટે મદદરૂપ બન્યા. ફસાઈ ગયેલા ભારતીયોના અનેક પ્રશ્નોમાં ભાગ લઈને આ સ્વયંસેવકોએ તેમને ભારત સુધી પહોંચાડવામાં ખૂબ સહયોગ આપ્યો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ સ્વયંસેવકોને પ્રેરણા આપતા વારંવાર દૃઢાવી રહ્યા હતા કે તમે જેટલી બીજાને મદદ કરશો એટલું તમને વિશેષ આંતરિક બળ મળશે.
જો કે વાતાવરણની ગંભીરતા સમજીને ભારત સરકારના અગ્રણી પ્રતિનિધિઓ બી.એ.પી.એસ. સંસ્થાના સંતોને ભારત પરત આવવા પૂરતી વ્યવસ્થા આપવા જણાવી રહ્યા હતા, પરંતુ મહંત સ્વામી મહારાજે સંતોને આવા સંજોગોમાં સ્વયંસેવકોની સાથે રહીને લોકોની સેવા કરવા માટે અબુધાબી જ રોકાવા વિશેષ પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે આપત્તિના સંજોગોમાં હિંમત હારવાને બદલે હિંમત રાખીએ અને બીજાને પણ હિંમત આપીએ તે ખરી આધ્યાત્મિક્તા અને સૌથી મોટી સેવા છે. યુ.એ.ઈ. સરકારના મંત્રીશ્રી અને રાજવી પરિવારના સભ્ય શ્રી શેખ નહ્યાને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આ વાત જાણી ત્યારે બ્રહ્મવિહારીદાસ સ્વામીને જણાવ્યું કે ‘આવા આધ્યાત્મિક ગુરુ વિરલ હોય છે, જેઓ આંતરિક સેવા કરીને લોકોના મનોબળને ટકાવી રાખે છે. આવા સમયે તમે આ સ્થળ છોડી દેવાને બદલે અમારી સાથે રહીને લોકોની સેવા કરી રહ્યા છે તે બહુ જ ઊંચી બાબત છે.’ ભારતના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પણ ફોન કરીને જણાવ્યું કે, ‘સામાન્ય રીતે આવા સંજોગોમાં અમે સંતોને પ્રાર્થના કરવા કહેતા હોઈએ છીએ, પરંતુ અત્યારે એવો સમય છે કે અમે આપ સૌ સંતો માટે પ્રાર્થના કરીએ છીએ. મંદિરના આકાશમાં મિસાઈલ્સ મંડરાતા હોય એવા યુદ્ધના સંજોગોમાં પણ તમે સંતોએ ત્યાં રહીને સેવા અને હિંમતનું એક ઉત્તમ અભિનંદનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિક નમ્રતાની સાથે આવી હિંમત અને દૃઢતા ખરેખર વંદનીય છે.’
યુ.એ.ઈ.ની સરકારે પણ અહીં ફસાઈ ગયેલા ભારતીયો અને નાગરિકોની ખૂબ ઉદારતાપૂર્વક મદદ કરી છે. આકાશમાં આવતા મિસાઈલ્સને આંતરવા માટે તેમણે છ સ્તરીય ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે, જેનાથી નાગરિકોની સુરક્ષા જળવાય છે. અલગ અલગ કક્ષાએ આવતા બેલિસ્ટિક મિસાઈલ્સ, ક્રૂઝ મિસાઈલ્સ, એરક્રાફ્ટ અને ડ્રોન્સના હુમલાઓથી દેશને સુરક્ષિત રાખવા માટે યુ.એ.ઈ.ની સરકારે આધુનિકતમ ડિફેન્સ સિસ્ટમ સજ્જ રાખી છે. આ ઉપરાંત સરકારે મંદિર પ્રશાસનને સર્વ પ્રકારે મદદ કરીને મંદિરનું ગૌરવ અને સુરક્ષા જાળવવામાં પણ ખૂબ ઉદારતાપૂર્વક સહયોગ આપ્યો છે.
આ રીતે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી મધ્ય-પૂર્વના યુદ્ધના માહોલ વચ્ચે બી.એ.પી.એસ. હિન્દુ મંદિર, મંદિરના સંતો અને સ્વંયસેવકોઆધ્યાત્મિકતા સાથે સેવા અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.





