મોરબી વોર્ડ નં. ૩ ઓબીસી બેઠક મામલે ભાજપ ટિકિટ મુદ્દે આંતરિક અસંતોષ

સ્થાનિક ઉમેદવારોને જ ટીકીટ આપવા ભલામણ.

મોરબી શહેરના વોર્ડ નં. ૩માં ભાજપની ટિકિટને લઈ આંતરિક અસંતોષ ફાટી નીકળ્યો છે. ઓબીસી અનામત બેઠક માટે સ્થાનિક કાર્યકરો દ્વારા ટિકિટ સ્થાનિક ઉમેદવારને જ આપવા માંગ ઉઠાવવામાં આવી છે. બહારના ઉમેદવારને ટિકિટ આપવાના સંકેતો સામે કાર્યકરોએ જીલ્લા ભાજપ કાર્યાલયે આવેદન આપી વિરોધની ચેતવણી ઉચ્ચારી છે.

મોરબીમાં મહાપાલિકાની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ખેંચતાણ ઉગ્ર બન્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં વોર્ડ નં. ૩ માં ઓબીસી અનામત બેઠક માટે વોર્ડના અનેક સ્થાનિક આગેવાનો અને પાયાના કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે, પરંતુ સાથે સાથે બહારના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ટીકીટ આપવા મામલે આયાતી ઉમેદવારોના નામોની ચર્ચાએ વિવાદ ઊભો કર્યો છે.

આ મુદ્દે સ્થાનિક ભાજપ કાર્યકરો દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે વોર્ડ નં. ૩માં ટિકિટ માત્ર સ્થાનિક અને પક્ષ માટે વર્ષોથી કાર્યરત કાર્યકરોમાંથી જ આપવામાં આવે. કાર્યકરોનું કહેવું છે કે ભાજપની ગાઈડલાઈન મુજબ પાયાના કાર્યકરોને જ પ્રાથમિકતા આપવી જોઈએ અને આ વોર્ડમાં તેવા ઘણા કાર્યકરો ઉપલબ્ધ છે. કાર્યકરો દ્વારા વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો બહારના અથવા ‘આયાતી’ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો તેનો કડક વિરોધ કરવામાં આવશે. સાથે જ આ નિર્ણયથી કાર્યકરોમાં અસંતોષ ફેલાઈ પક્ષને ચૂંટણીમાં નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ ભાજપ દ્વારા વોર્ડ નં. ૩ માટે સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ઉમેદવારી જાહેર થાય તે પહેલાં જ વોર્ડમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.


Leave a Comment