મોરબી સિરામીક મેન્યુફેકચરર્સ એસોસિએશનના વોલટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં નરેન્દ્રભાઈ સંઘાત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટણીમાં કુલ ૧૬૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને નોંધપાત્ર રીતે ૧૦૦ ટકા મતદાન નોંધાયું હતું, જે ઉદ્યોગકારોમાં ભારે રસ અને જાગૃતિ દર્શાવે છે.

ચૂંટણીના પરિણામ મુજબ નરેન્દ્રભાઈ સંઘાતને સર્વાધિક ૭૯ મત મળ્યા હતા. જ્યારે કેવલભાઈ સંઘાણીને ૨૯ મત અને કાંતિભાઈ સીતાપરાને ૫૩ મત મળ્યા હતા. આ રીતે બહુમતી મત સાથે નરેન્દ્રભાઈ સંઘાત વોલટાઇલ્સ ડિવિઝનના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. નવા પ્રમુખની પસંદગીને લઈ મોરબીના સિરામીક ઉદ્યોગકારોમાં આનંદની લાગણી વ્યાપી છે. ઉદ્યોગકારોએ તેમને અભિનંદન પાઠવી આશા વ્યક્ત કરી છે કે તેઓ આવનારા સમયમાં ટ્રેડ અને ઉદ્યોગના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.






