મોરબી, તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬: મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા શ્રી પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને એક્સપોર્ટ પ્રક્રિયામાં આવતી વિવિધ સમસ્યાઓ, ઈ-વે બિલ (e-way bill)ને લગતી મુશ્કેલીઓ તથા જીએસટી સંબંધિત અન્ય અનેક મુદ્દાઓ અંગે અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારોને વિગતવાર માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી. આ ચર્ચાએ ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોના ઉકેલ તરફ માર્ગ મોકળો કર્યો હતો.
સેમિનારમાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી મનોજભાઈ એરવાડીયા, અજયભાઈ મારવાણીયા, સંદીપભાઈ કુંડારીયા તથા પૂર્વ પ્રમુખ શ્રી નિલેષ જેતપરીયા, મુકેશભાઈ કુંડારીયા સહિત એસોસિએશનના અન્ય હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ અન્ય એસોસિએશનના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

સેમિનાર દરમિયાન ઉદ્યોગકારો તરફથી સિરામિક ટાઈલ્સ પરના જીએસટી દરને ૫% સુધી ઘટાડવા માટે પણ મજબૂત રજૂઆત કરવામાં આવી હતી. આ માંગને લઈને અધિકારીઓને વિગતવાર માહિતી આપવામાં આવી અને ઉદ્યોગના હિતમાં તેના પર વિચારણા કરવાની વિનંતી કરવામાં આવી હતી.
આ સેમિનાર ઉદ્યોગ અને સરકાર વચ્ચે સંવાદનું મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું છે, જેનાથી ઉદ્યોગકારોને જીએસટી નિયમોની વધુ સારી સમજ મળી છે અને આવનારા સમયમાં વધુ સરળતાથી કામગીરી કરી શકાશે.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન આવા કાર્યક્રમો દ્વારા ઉદ્યોગના વિકાસ અને સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયાસરત છે.





