નવયુગ કોલેજની જાનવી સીતાપરાએ ૧૩ મી નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

મોરબી શહેર માટે ગૌરવ અને આનંદની લાગણી સર્જતી એક વધુ સિદ્ધિ સામે આવી છે. નવયુગ ગ્રુપ ઓફ કોલેજના BBA વિભાગમાં અભ્યાસ કરતી પ્રતિભાશાળી વિદ્યાર્થીની જાનવી ચેતનભાઈ સીતાપરાએ ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે યોજાયેલી 13મી નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ–2026માં શાનદાર દેખાવ કરી પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. રાષ્ટ્રીય કક્ષાની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં જાનવીએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન, આત્મવિશ્વાસ અને અવિરત મહેનતના બળ પર સફળતા હાંસલ કરી મોરબી શહેર તેમજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજનું નામ દેશભરમાં ગૌરવભેર રોશન કર્યું છે. તેમની આ ઉપલબ્ધિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની છે.

જાનવી સીતાપરાની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ રમતગમત ક્ષેત્રે યુવાશક્તિની ક્ષમતા અને સંસ્થાના માર્ગદર્શનનું ઉત્તમ ઉદાહરણ પણ છે. સતત પ્રયત્ન, શિસ્ત અને દૃઢ સંકલ્પથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે તે જાનવીએ સાબિત કરી બતાવ્યું છે. નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે રમતગમત અને વ્યક્તિત્વ વિકાસને પણ વિશેષ પ્રાથમિકતા આપવામાં આવે છે. સંસ્થાના પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શનના કારણે વિદ્યાર્થીઓ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી, સંસ્થા પ્રમુખ પી.ડી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાએ જાનવી સીતાપરાને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા જણાવાયું હતું કે વિદ્યાર્થીઓની આવી સિદ્ધિઓ સમગ્ર કોલેજ પરિવાર માટે ગૌરવની લાગણી ઉભી કરે છે અને અન્ય વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા નવી પ્રેરણા આપે છે.


Leave a Comment