મોરબીમાં મહિલા સફાઈ કર્મચારી પર દુષ્કર્મ કરનાર નરાધમોને કડક સજા આપવા માંગ

વડવાળા યુવા સંગઠને જિલ્લા કલેકટરને આવેદન આપી પીડિતાને યોગ્ય ન્યાય આપવાની સાથે રાત્રી સફાઈ કરતી નગરપાલિકાની મહિલા કર્મચારીઓને સુરક્ષા પુરી પાડવાની માંગ ઉઠાવી

મોરબી : મોરબીના રવાપર નજીક રાત્રી સફાઈ કરતી મહિલા પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં વડવાળા યુવા સંગઠન મોરબીએ કલેકટર આવેદન આપી આ દુષ્કર્મના હીન કૃત્યને વખોડી કાઢી પીડિતાને યોગ્ય ન્યાય આપવા તેમજ બન્ને નરાધમોને આકરી સજા કરવાની માંગ ઉઠાવી છે.

વડવાળા યુવા સંગઠન મોરબીએ જિલ્લા કલેકટર આવેદન આપીને જણાવ્યું હતું કે, રવાપર ગામ પાસે થોડા દિવસ પહેલા રાત્રી સફાઈ કરતી એક આધેડ વયની મહિલાને બે નરાધમોએ હવસનો શિકાર બનાવી હતી. જેમાં બન્ને નરાધમો મહિલાને બળજબરીથી કારમાં અપહરણ કરી જઈને હેવાનીયતભર્યું દુષ્કૃત્ય આચર્યું હતું એટલું જ નહીં મહિલાને ઢોર માર માર્યો હતો. જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. પણ રાત્રી સફાઈ કરતી મહિલા ઉપર આવું અધમ કૃત્ય આચરવું તે ઘણું જ શરમજનક કૃત્ય છે.

આથી આ ધૃણાસ્પદ ઘટનાને વખોડી કાઢી પીડિતાને યોગ્ય ન્યાય આપવા તેમજ બન્ને નરાધમોને આકરી સજા કરવાની તેમજ રાત્રી સફાઈ કરનાર નગરપાલિકાની તમામ મહિલા કર્મચારીઓને સુરક્ષા પુરી પાડવાની માંગ ઉઠાવી છે.