મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી માટે SIT ની જાહેરાત કરતાં ગૃહ રાજ્યમંત્રી

મોરબી ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ સાથે સંવાદ યોજતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતના ઉદ્યોગોને વિકાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે તરફ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. ત્યારે હાલ મોરબી આવેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SIT ની રચના કરી અને તેનો આજથી જ અમલ પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપસ્થિત મોરબીના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો.

મોરબી ખાતે ઉદ્યોગપતિઓ સાથે સંવાદ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મોરબીને બધું આપવા તૈયાર છે. મોરબીના સિરામીક ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગ થકી દુનિયાનું નંબર વન સેન્ટર બનાવવું છે અને સરકાર તે તરફ તમામ પ્રયાસો કરી રહી છે. આજે મોરબી દેશના અનેક રાજ્યોના લાખો યુવાનોના રોજગારીના સપના પુરા કરી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગની સુરક્ષા માટે સરકાર પણ હંમેશા કટિબદ્ધ છે. મોરબીના ઉદ્યોગોનો વ્યાપારની સલામતિ માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તમામ ઉદ્યોગોની માંગ હતી જે રાજ્ય સરકારે પુરી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મોરબીના ઉદ્યોગો સાથે કોઈ માઈનો લાલ છેતરપીંડી ન કરી શકે તે માટે SIT  ની રચના કરી તેનો આજથી જ અમલ કરવામાં આવે છે.

SIT  ની વાત કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, SIT  ની રચના કરીને ઉદ્યોગો માટે અલાયદી કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉદ્યોગપતિઓ સાથે છેતરપીંડી કરનારાઓની ઉંઘ હરામ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબીમાંથી માલ મેળવીને પછી પેમેન્ટ માટે જવાબ નહીં દેનાર કે ફોન નહીં ઉપાડનાર વેપારીઓને SIT  મોરબીના ધક્કા ખવડાવશે. અહીંના વેપારી વિશ્વાસથી માલ આપે ત્યારે સામે વિશ્વાસઘાત કરનારા પર ક્રિમિનલ ફોજદારી થઈ શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપણે SIT  થી એવી છાપ ઉભી કરીશું કે, ગુજરાત પોલીસનું નામ પડશે અને તે પાર્ટીને વેપારી સાથે સેટલમેન્ટ કરવા આવવું પડશે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોએ રાજ્યને હંમેશા તમામ પ્રકારનો સહયોગ આપ્યો છે ત્યારે તેમની પણ બધી માગણીઓ સરકારે પૂરી કરી છે. મોરબીવાસીઓએ પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનવો પડે કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડીને અહીંના ઉદ્યોગપતિઓને નવલું નજરાણું આપ્યું છે, જેથી અહીંના ઉદ્યોગો વિશ્વના તમામ સિરામીક ઉદ્યોગોને ટક્કર મારી શકે છે. વિશ્વના અન્ય સિરામીક ઉદ્યોગેને મોરબીનો સહારો લેવો પડે છે જે મોરબીની કંપનીઓ માટે ભવ્ય જીત છે. સિરામીક ઇન્ડસ્ટ્રીના નગર એવા મોરબીમાં મોડેલ જીઆઇડીસી પર ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.

આ સંવાદ દરમિયાન રેન્જ આઈજી અશોકકુમાર યાદવે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન ઔદ્યોગિક અગ્રણી મુકેશભાઈ કુંડારિયાએ અને આભારવિધિ હરેશભાઈ બોપલીયાએ કરી હતી.

આ સંવાદ દરમિયાન સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતેન્દ્રભાઇ સોમાણી, હળવદ-ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા સહિતના ઔદ્યોગિક અગ્રણીઓ તેમજ પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.