મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા બાબતે કલેક્ટરએ આસપાસના ગામના સરપંચઓ સાથે બેઠક યોજી

બેઠકમાં  મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો અપાવવા તથા મવુડાના અમલીકરણ બાબતે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને તથા ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો અપાવવા બાબતે આસપાસના ગામના સરપંચઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોરબી જિલ્લાની તાજેતરની મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લાના પદાધિકારીઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા તથા મવુડા અમલી કરવા રજૂઆત કરી હતી. જે અન્વયે આપણે સરકાર સમક્ષ રજૂઆત કરવાની થાય છે. સરપંચઓને તેમણે જણાવ્યું હતું કે, મોરબીના વિકાસ માટે મહાનગરપાલિકા બનાવવી અને મવુડાનો અમલ ખૂબ જરૂરી છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારી શકાય અને આસપાસના વિસ્તારોને વિવિધ ગ્રાન્ટ મળવાપાત્ર બને તે માટે મોરબી મહાનગરપાલિકામાં તેમજ મવુડામાં કયા કયા ગામનો સમાવેશ કરવો તે અંગે સરપંચ સરપંચઓના અભિપ્રાય મેળવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ પણ મોરબીમાં સફાઈના પ્રશ્નો, સ્ટાફના પ્રશ્નો તેમજ અનેક અદ્યતન સુવિધાઓ અને ભવિષ્યના લાંબા આયોજન માટે મહાનગરપાલિકા તેમજ મવુડાના અમલીકરણ માટે હકારાત્મક વલણ અપનાવવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરપંચઓને સંબોધીને જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢીની સુખ સગવડ માટે તેમજ મોરબીની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઓથોરિટી ખૂબ જરૂરી છે. મોરબીમાં રીંગરોડ બને તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય. પ્રજાના હિત માટે આ પ્રયાસને પ્રોત્સાહન આપવા અને સૌને સહારા પ્રયાસો કરવા તેમણે સૌને અપીલ કરી હતી.

આસપાસના ગામમાંથી આવેલા સરપંચઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તથા મવુડાના અમલીકરણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, આગામી ગ્રામસભામાં મહાનગરપાલિકા તેમજ મવુડાથી ગ્રામીણ વિસ્તારોને થનાર લાભો વિશે ગ્રામજનોને વાકેફ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ તકે પ્રેસેન્ટેશન દ્વારા સમગ્ર આયોજન અંગે સરપંચશ્રીઓને માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ડેપ્યુટી કલેક્ટર ડી.સી.પરમાર તથા વિવિધ ગામના સરપંચઓ અને તલાટી-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.