કુંવરબાઇનું મામેરું યોજના દિકરીઓ માટે બની આશીર્વાદરૂપ

સામાન્ય પરિવારને મળી સરકારની હૂંફ, મોરબીના અલ્પાબેને કહ્યુઆજે સરકારે ખરા અર્થમાં મોસાળું કર્યુ, પિતા રીક્ષા ચલાવતા હતાલગ્નમાં સરકાર દ્વારા સહાય મળતા પિતાની આંખમાં હર્ષનાં આસું આવ્યા

મોરબીનાં એક સામાન્ય પરિવારના મોભી રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. પરીવારમાં ચાર દિકરી અને એક દિકરો છે. દિકરીનાં લગ્નને લઇ પિતા મનમાં વ્યથા હતી. પરંતુ સરકારની કુંવરબાઇનું મામેરું યોજનાની માહિતી મળતા યોજનામાં ફોર્મ ભર્યું હતું. સરકાર દ્વારા દિકરી અલ્પાબેનને સહાય મળી. દિકરીને સરકારની હૂંફ મળતા ઉત્સાહભેર લગ્ન થયા હતા. સરકારની કુંવરબાઇનું મામેરું યોજના ખરાઅર્થમાં દિકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ રૂપે લોકોના જીવનમાં દીપ પ્રગટાવવામાં આવ્યા છે. આ યોજનાઓનો લાભ મેળવી ઉજાશથી ઝળહળી ઉઠેલા લાભાર્થીઓના હરખના પ્રકાશથી સમગ્ર સમાજ પ્રજ્જવલિત થઈ રહ્યો છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણની વિચારધારાને વરેલી રાજ્ય સરકાર તમામ માનવીઓના કલ્યાણાર્થે મક્કમતાથી કાર્યરત છે. આપણાં ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે અનેકવિધ નિર્ણયો તેમજ યોજનાઓના સફળ અમલ થકી છેવડાનો માનવી ગૌરવપૂર્વક જીવન જીવવા તરફ અગ્રેસર બન્યો છે.

          મોરબીના વતની અલ્પાબેન જોગડિયાના લગ્ન થોડા સમય પહેલા જ થયાં છે.અનેક યુવતીઓ માટે ગુજરાત સરકારની “કુંવરબાઇનું મામેરુ યોજના” આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અલ્પાબેન જણાવે છે કે, “મારા માતા-પિતાએ અનેક સંઘર્ષ સહન કરી મને અને મારા ભાઈ-બહેનોને મોટા કર્યા,  મારા પિતાએ  રીક્ષા ડ્રાઈવિંગ કરી, જ્યારે મારી માતાએ રસોઈ કામ કરી ઘરનું ગુજરાન ચલાવ્યું. મારા લગ્નનો સમય આવ્યો ત્યારે સરકારની કુંવરબાઈ માંમેરું યોજના વિશે મને ખબર પડી. મેં સરળતાથી ઓનલાઈન અરજી કરી. મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને કર્મચારીઓના સહયોગ વડે થોડા દિવસોમાં સહાયના રૂપિયા સીધા મારા ખાતામાં જમા થઈ ગયા હતા.”

અલ્પાબેને ઉમેર્યુ હતું કે, “આ યોજના અંતર્ગત મળેલા નાણાં થકી લગ્નના નાના-મોટા ખર્ચ માટે મારા પિતાને ઘણી મદદ મળી હતી. સરકાર આવી અનેક યોજનાઓ મારફતે મારા સમાજની ઘણી બધી દિકરીઓને ખરા સમયે મદદ કરે છે. જે બદલ મારો સમગ્ર પરિવાર સરકારનો આભારી છે”