મોરબીમાં વન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન ૨૫૦ હેક્ટરમાં ૧૦ લાખથી વધુ ચેરની સિંગનું વાવેતર કરાશે

નવલખી દરિયાઈ વિસ્તાર અને જિલ્લાના ટાપુઓમાં ચેરના વાવેતર થકી યાયાવર પક્ષીઓ અને જીવસૃષ્ટિ વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનશે

સૃષ્ટિ ઉપર પર્યાવરણનું સંતુલન યોગ્ય રીતે જળવાઈ રહે તથા લોકોમાં પર્યાવરણની સમતુલા અને પર્યાવરણના જતન બાબતે જાગૃતતા ફેલાય તેવા ઉમદા હેતુ સાથે દર વર્ષે પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં ચેર(મેન્ગ્રોવ) ના વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘MISHTI’ (મેન્ગ્રોવ ઇનિશિયએટિવ ફોર શોરલાઈન હેબીટેટ એન્ડ ટેન્જીબલ ઇન્કમ) અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે દેશમાં ૭૫ થી વધુ જગ્યાઓએ ચેરના વૃક્ષનું વાવેતર કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, વલસાડ અને સુરત જિલ્લાની સાથે મોરબીમાં પણ મિષ્ટી કાર્યક્રમ હેઠળ ચેર (મેન્ગ્રોવ)ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.

દરિયાઈ કાંઠાના સંરક્ષણ માટે અને ધોવાણ અટકાવવા તેમજ દરિયાઈ જીવસૃષ્ટિ માટે મોરબી ખાતે વન વિભાગ દ્વારા ચેરના વૃક્ષો વાવવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબી વન વિભાગ દ્વારા માળિયા તાલુકાના વવાણીયા ગામમાં કાસમપીર દરગાહ પાસે નવલખી દરિયાઈ જંગલ વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવનાર છે.

વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે યોજાનાર કાર્યક્રમમાં મિષ્ટી પ્રોજેક્ટ અન્વયે કાર્યક્રમના દિવસે ૨ હેક્ટર વિસ્તારમાં ૮૦૦ બેડ અને પ્રતિ બેડમાં ૧૦ સિંગ મળી કુલ ૮ હજાર જેટલી ચેરની સિંગોનું વાવેતર કરવામાં આવનાર છે. ઉપરાંત મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ મોરબી વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વન વિભાગ હેઠળના ૭૭૭૦ હેક્ટર અનામત વિસ્તારમાંથી ૨૫૦ હેક્ટર વિસ્તારમાં ૧૦ લાખથી વધુ ચેરની સિંગોનું વાવેતર કરવામાં આવનાર છે. વન વિભાગ દ્વારા યોગ્ય વિસ્તાર પસંદ કરી ચેરના વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી કરવામાં આવનાર છે, જેથી દરિયાઈ વિસ્તારનું સંવર્ધન કરી શકાય અને દરિયાની ખારાશ અને ધોવાણ આગળ વધતું અટકાવી શકાય.

સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. ત્યારે દરિયાઈ વિસ્તારની સાથે ચેરના વૃક્ષનું પણ ગુજરાતમાં મહત્વ અનેરૂં છે. સુંદરવન બાદ ગુજરાત ચેરના વૃક્ષોના આવરણ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં બીજો ક્રમ ધરાવે છે. ચેરના વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકો જાગૃત થાય તે માટે આ મિષ્ટી પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો છે. મોરબી જિલ્લામાં નવલખી દરિયાઈ વિસ્તાર સાથે વિવિધ ટાપુ આવેલા છે જ્યાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં જીવસૃષ્ટિ અને યાયાવર પક્ષીઓ પણ જોવા મળે છે, ત્યારે ચેરના વૃક્ષોથી દરિયાઈ જીવસૃષ્ટિ વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનશે.