આમરણ તેમજ સંભવિત અસર ગ્રસ્ત ગામો ખાતે આકસ્મિક સંજોગોમાં માટે વિવિધ ટીમો સ્ટેન્ડ બાય

મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ મોરબીના આમરણ ખાતે પી.એચ.સી. ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ તેમજ સ્થાનિકો સાથે બેઠક યોજી

સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે સમગ્ર મોરબી જિલ્લા વહીવટીતંત્ર સાબદું બન્યું છે. જિલ્લાના અધિકારીઓ દ્વારા સંભવિત અસરગ્રસ્ત ગામો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લઈ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે તેમજ લોકોને સુરક્ષા અર્થે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ મોરબીના આમરણ ગામની મુલાકાત લઈ આમરણ પી.એચ.સી. ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ તેમજ સ્થાનિક અધિકારી કર્મચારી તેમજ ગ્રામજનો સાથે બેઠક કરી હતી.

આ બાબતે  ડી.એ. ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબી તાલુકામાં દરિયાકાંઠા નજીકમાં ૦ થી ૫ કિલોમીટરના અંતરમાં આવતા હોય એવા ત્રણ ગામ છે. ઝીંઝુડા, રામપર (પાડાબેકર) અને ઉટબેટ સામપર. ઉટબેટ સામપર નજીક ઢુઈ વિસ્તાર છે ત્યાં જત લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. જેમને ઉટબેટ સામપરની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ઝીંઝુડા ખાતેના સોલ્ટ પાનના ૩૫ જેટલા મજૂરોને સરકારી હોસ્ટેલ ખાતે તેમજ ૧૦ જેટલા મજૂરોને પ્રાથમિક શાળા ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. રામપર (પાડાબેકર)માં જેમના નળિયાવાળા મકાન હોય તેવા ૧૦૦ જેટલા ઘરને આઇડેન્ટીફાય કરી જેમને સગા-વાલાને ત્યાં રોકાવું હોય તેમને ત્યાં અથવા અન્યને આમરણ કે આસપાસ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતર કરવામાં આવનાર છે. રેપિડ રિસ્પોન્સ સેન્ટર અન્વયે વિવિધ વિભાગના અધિકારીઓની એક ટીમ આમરણ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટે આ ટીમો રાખવામાં આવી છે.

આ ઉપરાંત ૧૨ જેટલા સેલ્સ ટેક્ષના અધિકારીઓને મોરબી જિલ્લામાં લાયઝનીંગની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ૫ થી ૧૦ કિલોમીટરની અંતરમાં ૮ જેટલા ગામો છે. ત્યાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને જરૂર પડે ત્યાં મદદ માટે પહોંચી શકાય તે માટે તલાટી-મંત્રી તેમજ ક્લાસ-૨ કક્ષાના અધિકારીઓ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની એક ટીમ પીપડીયા ચાર રસ્તા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.