મોરબી જિલ્લા વાસીઓને ઘર બહાર ન નીકળવા કલેકટરનો અનુરોધ

વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે ત્યારે તમામ બજારો સ્વૈચ્છિક બંધ રાખવા વેપારીઓને જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

બિપરજોય વાવાઝોડાને પગલે આજે મોરબી જિલ્લામાં પણ અસર શરૂ થઈ ગઈ છે. ત્યારે લોકોની સલામતી અને સુરક્ષા અર્થે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જિલ્લાના વેપારીઓને બપોરથી બજાર બંધ રાખવા અપીલ કરી છે.

 જે અન્વયે કલેકટરએ જણાવ્યું હતું કે, મોરબીની જનતાને ખાસ અપીલ છે કે, હવે વાવાઝોડું એકદમ નજીક આવી રહ્યું છે. ત્યારે આગામી ૨૪ કલાક માટે આપણે ઘરની બહાર ન નીકળીએ, આપણા બાળકોને પણ ઘરમાં જ રાખીએ અને  રાત્રિ મુસાફરીનું કોઈપણ રીતનું આયોજન ન કરી ૨૪ કલાકનો સમય ઘરમાં જ વિતાવીએ તે હિતાવહ છે.

જિલ્લાના વેપારી મિત્રોને અનુરોધ કરતા તેમણે જણાવ્યું હતું કે, મેડિકલ સિવાયની જે કંઈ પણ દુકાનો છે તે દુકાનના વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાળે જેથી બજારમાં ટ્રાફિક ન રહે અને  આકસ્મિક સમયમાં ક્યાંય જવાની જરૂર પડે તો બજારો ખુલ્લી હોય અને રસ્તા પણ ખુલ્લા હોય. જેથી બચાવ કાર્ય માટે એમ્બ્યુલન્સ સહિતના વાહનોની અવર-જવર સરળતાથી થઈ શકે. જિલ્લાના તમામ ઉદ્યોગો દ્વારા બે દિવસ પહેલા જ તમામ પ્રકારનું લોડીંગ-અનલોડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને જેની અસર પણ આપણે રોડ પર જોઈ શકીએ છીએ. જેથી આપણા રસ્તાઓ ખુલ્લા છે અને ટ્રાફિકની કોઈપણ અડચણ નથી.

વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી ૮ હજાર થી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યારે ૧૦ હજાર જેટલા ફૂટ પેકેટ્સ અને ૬ હજાર જેટલી કીટ ઉપલબ્ધ છે. આ તમામ સામગ્રી એવી અલગ અલગ જગ્યાએ રાખેલી છે જ્યાંથી જરૂર પડે ત્વરિત પહોંચાડી શકાય.