મોરબી જિલ્લામાં મેડીકલ ઓફિસરની ૩૦ અને પેરા મેડીકલ ઓફિસરની ૩૧૭ ટીમ દ્વારા ગામડે ગામડે ડોર ટૂ ડોર સર્વે

જિલ્લામાં ૩૨,૮૭૯ જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ કરાયું, બિપરજોય વાવાઝોડા બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગનું આગવુ પગલુ

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદ રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. અને હાલ વાવાઝોડા બાદ પણ આગવી કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાવાઝોડા બાદ પાણીજન્ય રોગો થવાની સંભાવના વધી જાય છે. પરંતુ બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ રોગચાળો ન ફેલાય તે માટેના પગલા લેવામાં આવ્યા હતા. આ માટે આરોગ્ય વિભાગે એલર્ટ થઈને ટીમો બનાવી હતી. જે અન્વયે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શનમાં મોરબી જિલ્લામાં મેડીકલ ઓફિસરની ૩૦ અને પેરા મેડીકલ ઓફિસરની ૩૧૭ ટીમ બનાવીને વાવાઝોડા બાદ તુરંત જ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટીમ ગામડે-ગામાડે ફરીને દરેક ઘરે પહોંચીને સર્વે કરી રહી છે.

સ્વાભાવિક છે કે વરસાદ અને વાવાઝોડા બાદ મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે તેમજ પાણીજન્ય રોગ થવાની સંભાવના પણ એટલી જ રહે છે. આવા સમયે મોરબી નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતર્ક થઈને વાવાઝોડા પહેલા જ જિલ્લાના દરેક ગામોના ઘરે-ઘરે જઈને પાણીના ટાંકામાં પોરા કે અન્ય જીવાત ન થાય તે માટે દવા નાખવામાં આવી હતી. ઉપરાંત ૩૨,૮૭૯ જેટલી કલોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વાવાઝોડા સમયે ઉદભવતા રોગ જેવા કે શરદી, તાવ, ઝાડા-ઉલટી, વગેરે માટેની પ્રાથમિક ઉપચારની દવા તેમજ જરૂર જણાય ત્યાં ORS પેકેટેનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં અગમચેતીનાં પગલા પહેલેથી જ લઈ લેવામાં આવ્યા હતા, જેના કારણે કોઈની પણ જાનહાની થઈ નથી.

કુદરતી આફત સંદર્ભે તંત્રની સતર્કતાની સાથો સાથ લોકોએ પણ એટલો જ સહયોગ આપવો ખૂબ જરૂરી છે. લોકોએ પોતાના રહેઠાણની નજીકના વિસ્તારમાં જો ક્યાંય વરસાદી પાણી ભરાયેલ હોય તો ત્યાં તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. તેમજ આજુ-બાજુમાં વાડ, જાળી-ઝાંખરા કે ઘાસ હોય તો ત્યાં દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી મચ્છર કે અન્ય જીવ-જંતુનો ઉપદ્રવ અટકે અને ગંભીર રોગો થતા બચે.

ઉપરાંત વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટર તેમજ અન્ય આરોગ્ય ફેસિલિટીઝમાં નોંધાતા મચ્છરજન્ય રોગોના કેસો ઉપર નજર રાખવામાં આવી રહી છે અને તેના આધારે કામગીરી કરવામાં આવી રહી છે.