હળવદ માણેકવાડા ગામના સરપંચને હોદ્દા પરથી દુર કરાયા

સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું હોવાથી તેમને મોરબી ડી.ડી.ઓ.ડી.ડી. જાડેજા દ્વારા હોદ્દા પરથી દુર કરાયા

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના માણેકવાડા ગામના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાએ સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું હોવાથી તેમને સરપંચના હોદ્દા પરથી દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

હળવદ તાલુકાના માણેકવાડા ગામમાં ૧૫માં નાણાપંચ (ગ્રામ્ય કક્ષા) વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત તળાવમાં વોશીંગ ઘાટ બનાવવાનું કામ મંજુર થયેલ છે. જે અન્વયે તાલુકા પંચાયત હળવદ દ્વારા વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. વોશીંગ ઘાટ બનાવવાનું આ કામ માણેકવાડા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતની જાણ બહાર શરૂ કરીને આ કામમાં સિમેન્ટનાં બદલે માટીનો ગાર વાપર્યો હતો. જેથી આ કામ સ્થગિત કરાવીને તોડી પાડેલ છે અને કામનું રૂ. ૯૩,૩૦૦ નું ચુકવણું કરવામાં આવેલ નથી.

તળાવમાં વોશિંગ ઘાટ બનાવવાનાં કામમાં નિયત થયા મુજબ સિમેન્ટનો ઉપયોગ ન કરીને માટીનો ઉપયોગ કરી હલકી ગુણવત્તા ધરાવતું કામ કર્યુ છે. આવું કરીને સરકારને નાણાકીય નુકશાન પહોંચાડીને પોતાનો આર્થિક હિત સાધવાનો પ્રયત્ન કરેલ છે. આમ તેમણે સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું છે.

આમ તમામ બાબતો ધ્યાને લેતા માણેકવાડા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાએ સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું હોય તેવું માલુમ પડે છે. તમામ આધાર-પુરાવા અને રજૂઆતોને ધ્યાને લઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા (IAS) દ્વારા હળવદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી તેમણે ધારણ કરેલ સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.