મોરબી : તરઘરી તથા સરવડગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરાયા

આચરવામાં આવેલ ગુના બદલ સરપંચ સામે ફોજદારી કાર્યવાહી માંડવામાં આવેલ હોય મોરબી ડી.ડી.ઓ. દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ સસ્પેન્ડ કર્યા

મોરબી જિલ્લાના તરઘરી ગ્રામ પંચાયતના અને સરવડ ગ્રામ પંચાયતનાં સરપંચને ગુજરાત અધિનિયમ હેઠળ સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં માળીયા(મી.) તાલુકાના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા સામે મોરબી સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી અંગેના ગુના નોંધાયેલ છે. ઉપરાંત માળીયા(મી.) તાલુકાના સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા સામે માળીયા(મી.) પોલીસ સ્ટેશન ખાતે મારામારીના અંગેના ગુના નોંધાયેલ છે અને આ બંને સરપંચો સામે ફોજદારી કાર્યવાહી માંડવામાં આવેલ છે.

આમ, સરપંચ તરીકેના જવાબદાર હોદ્દા પર હોય ત્યારે સરપંચે ગુનાઓ આચરીને લોકસેવકને ન છાજે તેવું વર્તન કર્યું છે. જે નૈતિક અધ:પતન તેમજ શરમજનક વર્તણુક ગણવાને પાત્ર હોય ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા અને સરવડ ગ્રામ પંચાયતનાં સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવાને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.