નવી પેઢીના નવા ઉત્સાહ અને નવી આવડતને વડાપ્રધાનએ આપી નવી રાહ

        નવી પેઢી,  નવો ઉત્સાહ, નવી આવડત સાથે વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમમાં જોવા મળ્યો સ્કીલ ઈન્ડીયા અને સ્ટાર્ટઅપ ઈન્ડીયાનો સંગમ. અનેક પ્રતિનિધિઓએ પોતાની આવડતથી બનાવેલ વસ્તુઓને અને ટેકનોલોજીને વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમમાં પ્રદર્શિત કરી હતી. સટાર્ટ-અપમાં નવયુવાનોની આવડત અને કંઈક નવું કરી દેખાડવાની ધગશ જોવા મળી રહી છે. સામાન્ય માણસોના રોજિંદા જીવનમાં અડતા પાસાને વધુ સરળ કરી આપવાની તેઓની વિચારધારાને તેમણે વ્યવહારમાં મુકી  છે.

મોરબીના હડિયલ ગીરધરભાઈ જણાવે છે કે, “અત્યારની યુવા પેઢી જાગૃત થઈ રહી છે અને તેનામાં નવી આવડત સાથે કંઈક નવું કરી દેખાડવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો તમારામાં ટેલેન્ટ હોય અને પુરતો સહકાર મળે તો તમે ક્યાંય અટકતા નથી. એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર્ટ-અપ ઈન્ડિયા જેવા અભિગમ થકી યુવાનોને નવી રાહ મળી રહી છે. આ વાઈબ્રન્ટ મોરબી કાર્યક્રમના પ્રદર્શનમાં ઈ-સાઈકલના ઈનોવેશન્સનું મેં પ્રેઝેન્ટેશન કર્યું છે. હવે મારૂ આ ઈનોવશન પ્રગતિના પંથે આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે, હડિયલ ગીરધરભાઈએ પોતાની આવડતથી ઈલેક્ટ્રીક રીક્ષા અને ઈલેક્ટ્રીક સાઈકલ બનાવી છે. ઉપરાંત હાલ તેઓ ખેતીવાડીમાં વપરાતા સ્પ્રે પંપ અને અન્ય ઉપયોગી સાધનો પર સંશોધન કરી રહ્યા છે. ઉપરાંત ઈન્ડસ્ટ્રીમાં વપરાતા ઈલેક્ટ્રીક હાઈડ્રોલીક રેકડાના મેન્યફેક્ચર પર પણ કામ ચાલી રહ્યું છે. તેમણે વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અન્વયે પ્રદર્શનમાં ઈ-સાઈકલ પ્રદર્શન માટેનો સ્ટૉલ રાખ્યો હતો. આ સાઈકલ પ્રકૃતિના સંરક્ષણ માટે મહત્વની છે ઉપરાંત સાવ નજીવા દર એટલે કે ૭ થી ૮ રૂ. ના દરે તમે ૩૦ કી.મી. સુધી સાયકલ ચલાવી શકો છો.