મોરબી : અમરેલી પ્રાથમિક શાળાના આચાર્ય નિવૃત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો

આ વિદાય સન્માન કાર્યક્રમ ટીંબડી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. જેમાં ટીંબડી પ્રાથમિક શાળાની બાળાઓએ વિદાય ગીત રજૂ કરી ગુરુ ઋણાનુબંધ અર્પણ કર્યું હતું .આ કાર્યક્રમમાં શાળા પરિવારના સ્ટાફ મિત્ર સી.આર.સી કોર્ડીનેટર રાજુભાઈ મહેન્દ્રનગર તાલુકા શાળા આચાર્ય દેવેન્દ્રભાઈ પટેલ તેમજ સી.આર.સી ટીંબડી નીચે આવતી પેટા શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા નિવૃત્ત થતા શિક્ષક શ્રી ગીરીશભાઈ મોરડીયાને શ્રીફળ,સાકરપડો, મોમેન્ટ ભેટ, સન્માનપત્ર તેમજ સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અને વય નિવૃત્તિની શુભેચ્છાઓ તેમજ નિવૃત્તિ બાદ તેમનું જીવન પ્રવૃત્તિમય અને નીરોગી રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે ગિરીશભાઈના પરિવારજનો, સ્નેહી મિત્રો દ્વારા પણ સન્માન ભેટ તથા સાલ અર્પણ કરેલ ત્યારે ખૂબ જ ભાવપૂર્ણ દ્રશ્ય સર્જાયા હતા.આ તકે સી.આર.સી ટીંબડીમાં સમાવિષ્ટ પેટા શાળામાં બદલીને આવેલ નવા શિક્ષકો તેમજ નવી નિમણૂક પામેલા જ્ઞાનસહાયક મિત્રોને સત્કાર કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.જેમાં નવા મિત્રોને સી.આર.સી કોર્ડીનેટર શ્રી રાજેશભાઈ ઘોડાસરા તરફથી ભગવદ ગીતાનું પુસ્તક અર્પણ કરી સૌને આવકારવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સીઆરસી કોઓર્ડીનેટર રાજેશભાઈ ઘોડાસરાએ પ્રસંગોચિત ઉદબોધન કરી ગિરીશભાઈના કાર્યકાળને બિરદાવ્યો હતો.કાર્યક્રમમાં અંતે સૌએ સમૂહ ભોજન કરી છુટા પડ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા ટીંબડી શાળાના આચાર્ય તથા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અશ્વિનભાઈ ગોપાણીએ કર્યું હતું.