મોરબી : ફટાકડાની ખરીદી, વેંચાણ તથા ઉપયોગ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા ફટાકડાના ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતું જાહેરનામું કરાયું

 આ જાહેરનામા અનુસાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામા આવેલ છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર નામદાર સુપ્રિમ કોર્ટ ધ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ હોઈ તેમનું ઉત્પાદન કે વેચાણ કરવું નહીં.

ભારે ધોંધાટવાળા ફટાકડા સ્વાસ્થય માટે ખુબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series Cracker or Laris) પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામા આવેલ હોઈ તેને રાખી કે ફોડી શકાશે નહી તથા તેનુ વેચાણ કરી શકાશે નહી. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા કરવાનુ રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનુ રહેશે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ હોઈ તેનો ઉપયોગ કરી શકાશે નહી.

દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.

હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર Petroleum and Explosives Safety Organisation (PESO) દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર (DECIBEL LEVEL) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારનો સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ/આતશબાજી બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી.

 સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારના જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનુ, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી ફોડવા સળગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૮ તથા પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ૯-૧૨-૨૦૨૩ સુધી અમલમાં રહેશે.