મોરબીમાં યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા 11 હજાર દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી

દિવાળીના દીપ સાથે દરેક માણસના અંતરમનમાં દુશ્મન હોય તો પણ તેને મદદરૂપ થવાની સંવેદના પ્રગટે તેવો સંદેશ આપ્યો

મોરબી : દિવાળી એટલે જીવનમાં રહેલો અંધકાર દૂર કરીને ઉમગનો ઉજાશ પ્રગટાવવાનું પર્વ છે. દિવાળીએ માત્ર રોશની જ નહીં પણ માણસના અંતરમાં રહેલા દુર્ગુણોને દૂર કરી સદગુણોને દીપ પ્રગટાવાનો છે. દિવાળીના આ હેતુને સાર્થક કરવા માટે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દીપાવલીની રાત્રે શહેરના સ્કાય મોલ ખાતે 11 હજાર દીવડાઓ પ્રગટાવી દરેક માણસના ભીતરમાં રહેલા દુર્ગુણોનો અંધકાર દૂર કરી સદગુણોનો દીપ પ્રગટાવવાનો સંદેશ આપ્યો હતો.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રકાશના પર્વ દીપોત્સવીની અદભુત રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દિવાળીની ઉજવણી ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી છે.

હવે અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજમાન થયા હોવાથી વર્ષોની ભારતવાસીઓની મનોકામના પૂર્ણ થતાં તેની ખુશીનો અવસર મનાવવા માટે દિવાળીની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા દિવાળીની રાત્રે સ્કાય મોલ ખાતે 11 હજાર દીવડાઓ પ્રગટાવી દિવાળીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આમ પણ દરેક માણસના અંતરમાં અજવાળા પાથરવો એ જ દિવાળીનો સાચો મર્મ છે. પણ હવે લોકો યંત્રવત બનીને ઘરેઘરે રોશની પ્રગટાવી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી દિવાળીનો મૂળ હેતુ ભૂલી જાય છે. આથી દિવાળીના દીપ સાથે દરેક માણસના અંતરમનમાં દુશ્મન હોય તો પણ તેને મદદરૂપ થવાની સંવેદના પ્રગટે તેવો સંદેશ આપ્યો હતો.