વાંકાનેરના ઢુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી છે.”-  સાંસદ મોહનભાઈ કુંડારિયા

ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું નિદર્શન નિહાળ્યું ; વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી

સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, “આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારની યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે માહિતી આપવાનો અને યોજનાઓનો લાભ આપવાનો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી છે. ત્યારે જેમને આ યોજનાઓનો લાભ મળ્યો નથી તેમને આ યોજના વિશે જણાવી આંગળી ચીંધવાનું પુણ્ય મેળવીએ. આયુષ્માન કાર્ડ થકી ગંભીર બીમારીઓના ઈલાજ માટે ૧૦ લાખની સહાય આપવામાં આવે છે વિશ્વમાં આવી મોટી કોઈ યોજના ભાગ્યે જ હશે તેવું જણાવી તેમણે વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી.

આ પ્રસંગે જુના ઢુવા પ્રાથમિક શાળા ખાતે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરોલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. સૌ ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે  પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. વિવિધ સરકારી યોજનાના લાભ મેળવેલ લાભાર્થીઓએ તેમને મળેલ યોજનાના લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. કાર્યક્રમ અન્વયે હેલ્થ કેમ્પ, પશુ હેલ્થ કેમ્પ, પોષણ અભિયાન, ટીબી નિક્ષય, લીડ બેંકની વિવિધ યોજનાઓ વગેરે માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શીરેશિયા, શિરસ્તદાર એ.બી. પરમાર, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી બીપીનભાઈ સોલંકી, સર્કલ ઓફિસર આર.એ. ઝાલા, ઢુવા ગામના સરપંચ શાંતુબેન ચૌહાણ, અગ્રણી હરુભા ઝાલા તેમજ પદાધિકારી/અધિકારી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.