મકનસર અને ઢુવા ગામને ODF પલ્સ મોડેલ જાહેર કરાયા

સમગ્ર ગુજરાતમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું મોરબી જિલ્લામાં પણ આગમન થઈ ચૂક્યું છે.

મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના ૩ રથો ભ્રમણ કરી રહ્યા છે. આ રથો દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી  છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.

મોરબીના મકનસર તેમજ વાંકાનેરના ઢુવા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું  આગમન થયું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ  ODF પલ્સ મોડેલના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. યાત્રા દરમિયાન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી તાલુકાના મકનસર તથા સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા  વાંકાનેર તાલુકાના ઢુવા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF પલ્સ મોડેલ જાહેર કરી સરપંચઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.