મોરબીના બાળ કલાકાર મુંબઈમાં પ્રતિષ્ઠિત સંસ્થામાં પોતાની કલાના ઓજસ પાથરશે

કલા અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સુવિખ્યાત જન્મભૂમિ ગૃપ અને JYF ના સંયુકત ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતા તાનારીરી મહોત્સવનો ફાઈનલ આગામી 7 ડીસેમ્બરે ભારતીય વિધા ભવન મુંબઈ ખાતે યોજાશે. જેમાં સેમીફાઈનલમાં વિજેતા બની અનેરી આશિષભાઈ ત્રિવેદી ફાઈનલ માટે પસંદગી પામી છે અને ગુજરાતી સુગમ સંગીતના મહારથી આશિત દેસાઈ, હેમા દેસાઇ, સ્નેહલ મજમુદાર અને રેખાબેન ત્રિવેદી જેવા નિર્ણાયકો તથા શોભિત દેસાઈ, હિતેન આનંદપરા સહિતના સિધ્ધહસ્ત કલાકારો સહિતના અનેક મહાનુભાવોની હાજરીમાં સુગમ સંગીતની પ્રસ્તુતિ કરશે.

બાળપણથી જ તેજસ્વી અનેરી માત્ર 11 વર્ષની ઉંમરે બાળપ્રતિભા તથા કલા મહાકુંભ સહિતની અનેક સ્પર્ધાઓમાં અગાઉ પણ વિજેતા બની પોતાના પરિવાર અને સમગ્ર મોરબીને ગૌરવ અપાવતી રહી છે. અનેરી ફાઈનલમાં પણ વિજેતા બની સુવિખ્યાત જન્મભૂમિ ટ્રોફી મોરબી જીતી લાવે તે માટે તેને ચોમેરથી શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે.