માવઠાને કારણે ખેતીમાં વિવિધ પાકો ઉપર થયેલી સંભવિત અસરો માટેના ઉપાયો જારી કરાયા

રાજયના વિવિધ વિસ્તારો સાથે મોરબી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પણ ૨૫ અને ૨૬ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે હળવાથી મધ્યમ તેમજ છુટાછવાયા જગ્યાએ કરા સાથે વરસાદ થયેલ જેના કારણે તાજેતરમાં વાવણી/રોપણી કરેલ પાકો તથા ઉભા પાકોમાં થવા પાત્ર સંભવિત અસરો અને તેના બચાવ માટેના ઉપાયો જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જારી કરાયા છે.

વિગતે વાત કરીએ તો, કપાસના પાકમાં જીંડવાનો વિકાસ/ જીંડવા ખુલવાની સ્થિતીએ વરસાદના કારણે કપાસનું રૂ ભીનું થવાના કારણે જો રૂ ની ગુણવત્તા ઉપર અસર થઈ હોય તો રૂ ની વહેલી તકે વીણી કરી લેવી અને પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું.

તુવેરના પાકમાં ફૂલ /શીંગોના  વિકાસની સ્થિતીમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે શીંગ માખીનો ઉપદ્રવ થઈ શકે છે જેથી આગોતરા વાવેતરમાં ઉપદ્રવ છે કે નહી તેનું નિરીક્ષણ કરવું જો વધુ ઉપદ્રવ હોય તો નિયંત્રણના પગલાં લેવા અને હાલ પૂરતું પિયત આપવાનું ટાળવું.

ચણાના પાકમાં વાવણી/ઉગાવો/ વાનસ્પતિક સ્થિતીમાં અગોતરા વાવણી કરેલ પાકમાં  લીલી ઇયળનો ઉપદ્રવ થઈ શકે છે માટે પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું અને ખેતરમાં હેક્ટર દીઠ ૨૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા.

દિવેલાના પાકમાં વાનસ્પતિક/ફૂલ/માળ/બાંધવાની અવસ્થામાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે લશ્કરી અને ઘોડિયા ઈયળો થઈ શકે છે માટે તૈયાર થયેલ/ પાકી ગયેલ માળની સમયસર લણણી કરવી અને હાલ પૂરતું પિયત આપવાનું ટાળવું.

શાકભાજી પાકોમાં ફળ/ફૂલની સ્થિતીમાં ફુલ ફળનું  ખરણ થઈ શકે. રોગ જીવાત (ચુસીયા/કોકડાવા)નો ઉપદ્રવ થઈ શકે અને વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે માટે પરીપકવ શાકભાજીની વહેલી તકે વીણી કરી બજારમાં વેચાણ માટે મોકલવા. હાલ પૂરતું પિયત આપવાનું ટાળવું. ફળ વાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો.

        ઘઉંના પાકમાં વાવણી/ઉગાવોની સ્થિતીમાં બીજાના ઉગાવા ઉપર અસર થઇ શકે. તેથી વરાપ થયે વાવણીની કામગીરી કરવી અને હાલ પૂરતું પિયત આપવાનું ટાળવું.

        જીરું/વરીયાળી/ધાણા પાકમાં વાવણી/ઉગાવોની અવસ્થામાં બીજાના ઉગાવા ઉપર અસર થઇ શકે માટે પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું અને વરાપ થયે વાવણીની કામગીરી કરવી.

        રાઈના પાકમાં વાનસ્પતિક અવસ્થામાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ થઇ શકે છે માટે આગોતરા વાવેતરમાં ઉપદ્રવ છે કે નહી તેનું નિરીક્ષણ કરવું જો વધુ ઉપદ્રવ હોય તો નિયંત્રણના પગલાં લેવા અને હાલ પૂરતું પિયત આપવાનું ટાળવું.

        કાપણી /લાણણી કરેલ પાકો, ખુલ્લા રાખેલ પાકોની ખેત પેદાશોની ગુણવત્તામાં અસર થઇ શકે જેથી કાપણી / લણણી કરેલ ખુલ્લામાં પડેલ પાકોની ખેત પેદાશોને સુકવી ખરા માં લણણી કરવી.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક (તા.મુ.)/ જિલ્લા ખેતી વાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (તાલીમ)/ KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વી. કે. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.