મોરબીના શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું

“જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ કોઈ વ્યક્તિ યોજનાના લાભોથી વંચિત રહી ન જાય તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે”–  મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર

વિકસિત ભારતની યાત્રામાં સહભાગી બનવા ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા; વિવિધ યોજનાના લાભથી લોકોને લાભાન્વિત કરાયા

દેશની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લી હરોળમાં રહેલા વંચિત લોકો સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે મોરબીના શક્તિનગર ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો.

આ પ્રસંગે મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એસ. ડાંગરે જણાવ્યું હતું કે, ગામડે ગામડે લોકો સરકારી યોજનાઓથી વાકેફ બને અને કોઈ પણ આ યોજનાના લાભોથી વંચિત ન રહે તેવા હેતુથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. સમગ્ર દેશ અને રાજ્યની સાથે પણ મોરબી જિલ્લામાં પણ યોજનાઓના માપદંડ અનુસાર લોકોને યોજનાના લાભ આપવામાં આવી રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ કોઈ વ્યક્તિ યોજનાના લાભોથી વંચિત રહી ન જાય તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરી ગ્રામ પંચાયતનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોષણ યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, માતૃશક્તિ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધરતી કહે પુકાર કે ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શક્તિનગર ગામના આંગણે આવેલા રથ થકી સૌ ગ્રામજનો અને ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શક્તિનગર ગામના ભાગોળે આવેલા ખેતરે જઈને ડ્રોન વડે દવાનો છંટકાવ કરી ખેડૂતોને લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, સિંચાઈ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર વિજય ભોરણીયા, ગામના સરપંચ, જન પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ શક્તિનગરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.