મોરબી જિલ્લામાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ

          આગામી ૧૪-૦૧-૨૦૨૪ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. આ ઉપરાંત સળગતું તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુકશાન થાય છે. આથી, આ પ્રકારના પ્રસંગો બનતા અટકાવવા મોરબી જિલ્લામા તા.૨૦-૦૧-૨૦૨૪ સુધી ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર પ્રતિબંધ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી.પંડ્યા દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ છે.

        જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇપણ વ્યક્તિના જાહેર રસ્તા(ફૂટપાથ સહિત)ઉપર પતંગ ઉડાવવા પર, હાથમાં લાંબા ઝંડા, વાંસના બાંબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુનાં તારનાં લંગર કે વાંસ વગેરેની મદદથી કપાયેલ પતંગો કે દોરા મેળવવા પર, ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર લંગર કે દોરી નાખવા ઉપર, જાનનું જોખમ થાય તે રીતે રસ્તા(ફૂટપાથ સહિત)  ઉપર કે ભયજનક ધાબા પર ચડીને પતંગ ઉડાવવા ઉપર, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા ઉપર, પ્લાસ્ટિક/સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી/ ચાઇનીઝ માંજાના પાકા દોરા તથા ચાઇનીઝ પ્લાસ્ટિકની બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાનાં જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ-વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના પતંગ ઉડાવવા ઉપર, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ / ઉડાવવા ઉપર મનાઇ ફરમાવેલ છે.