મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ઉત્તરાયણ અને કોલ્ડવેવથી બચવા અંગે વી.સી. હાઈસ્કુલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે ઉત્તરાયણ અને કોલ્ડવેવથી બચવા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્તરાયણના દિવસની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે કે ક્યારે પતંગ ચગાવવા મળે? ત્યારે આ પતંગોત્સવ દરમિયાન મજાની સાથે સજા ન મળે તે માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. પતંગ ચગાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણવું જરૂરી છે. જેમ કે, ક્યારેય પતંગ પકડવા એક ધાબેથી બીજા ધાબે કૂદવું ના જોઇએ, રસ્તા પર દોડધામ ન કરવી જોઇએ વગેરે. આ તમામ પરિસ્થિતિઓમાં અકસ્માત થવાની સંભાવના રહેલી છે, સૌથી મહત્વની વાત એ છે કે, અબોલ પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઉત્તરાયણના તહેવારના બે દિવસમાં કેટલાય પક્ષીઓ દર વર્ષે ઘાયલ થાય છે. માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને સવાર સાંજ પક્ષીઓના આવવાના અને જવાના સમયે પતંગ ન ઉડાડવી જોઇએ. જેથી તેઓ સુરક્ષિત રહે અને તેમને નુકસાન ન પહોંચે. સાથે જ આ ઠંડીની ઋતુમાં શિયાળાના ઋતુમાં ઠંડી (કોલ્ડવેવ) થી બચવા ગરમ કપડાં તેમજ સ્‍વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્‍યારે મોટી ઉંમરના વૃધ્‍ધ, બિમાર વ્‍યકિતઓ, નાના બાળકો અને સગર્ભા મહીલાઓએ શક્ય હોય ત્‍યાં સુધી ધરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું.

આ બાબતો અંગે લોકોને જાગૃત કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મોરબી દ્વારા મોરબીમાં વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે જ, આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું અને ફાયર એકસ્ટીન્ગ્યુશરનો ઉપયોગ, ૧૦૮ ઇમર્જન્સી સેવાના ઉપયોગ અને પતંગ ચગાવતી વખતે આટલી વાતો અચૂક યાદ રાખવી અને કોલ્ડવેવથી બચવા શું કરી શકાય વગેરે મુદ્દાઓ અંગે મોરબીની વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં મોરબીના ચીફ ફાયર ઓફિસર દેવેંદ્રસિંહ જાડેજા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, ડી.પી.ઓ. કોમલ મહેરા અને ૧૦૮ ની ટીમ ઉપસ્થિત રહી હતી.