મોરબી : આમરણ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના વધામણાં કરાયા

મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે.  ગ્રામજનોને પોતાના ઘરઆંગણે જ આ યાત્રા થકી સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી તથા લાભ મળી રહ્યાં છે. ત્યારે મોરબી તાલુકાના આમરણ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વધામણાં કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આમરણ ગામ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમરણ ગામને ૧૦૦ ટકા નળ જોડાણ માટે સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, ઉજ્જવલા યોજના, વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજૂ કર્યું હતું. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો આમરણનાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.