લીલાપરના ગ્રામજનો વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત થયા

‘આપણો સંકલ્પ વિકસિત ભારત’ એવી નેમ સાથે અને ‘૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સહ સમગ્ર દેશની સાથે ગુજરાત રાજયમાં પણ સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રથ પરિભ્રમણ કરી રહ્યા છે. જે અન્વયે મોરબીના લીલાપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકોને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી ગ્રામજનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ૧૭ જેટલી યોજનાનો લાભ અને આ યોજનાઓનો મેળવવા અંગે યોજનાકીય માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના છેવાડાના લોકોની ચિંતા કરે છે આજે પીએમ ઉજ્જવલા યોજના થકી ગૃહિણીના રસોડામાંથી ધુમાડાની સાથે આંખની બિમારીઓએ વિદાય લીધી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી સરકાર આપણા દ્વારે આવી છે ત્યારે તમામ યોજનાઓનો લાભ આપણે લેવો જોઈએ.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયાએ જણાવ્યું હતું કે, સરકારે સમાજના તમામ વર્ગના લોકો માટે યોજનાઓ બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડુતોની આવક બમણી કરવાનો છે જે નિર્ણય કર્યો હતો તે સાર્થક કરી બતાવ્યો છે. વધુમાં તેમણે કેવી રીતે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા પણ સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, શિક્ષણ, રોજગારી, માળખાગત સુવિધાઓ તથા માનવ વિકાસ આંક તમામ ક્ષેત્રે દેશને આગળ લાવી સુવિકસિત બનાવવાના વડાપ્રધન નરેન્દ્રભાઈ મોદીના મંત્રને સાર્થક કરવા આપણે સૌએ સહભાગી બનવાનું છે. સરકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા લોકો સુધી યોજનાના લાભ પહોંચાડવાની નૈતિક ફરજ સમજી સૌએ કામગીરી કરવાની છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અને સોઈલ હેલ્થ કાર્ડ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે લીલાપર ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

કાર્યક્રમ સ્થળે આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ, ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ગામના સરપંચ ઉપસરપંચ, ગામના આગેવાનો, શાળાના આચાર્ય, સ્ટાફ અને ગ્રામજનો જોડાયા હતા.