નિષ્ઠાથી પ્રતિષ્ઠાને વરેલ મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી. એન. વીડજાનો વિદાય સન્માન સમારોહ

પળમાં મિલન તો પળમાં જુદાઈ છે,
વસમી લાગે છે આજની વિદાય,
કાલે ભેગા હતા ને આજે જુદાઈ છે.

પ્રકૃતિનો નિયમ છે કે સુરજ ઉગે છે, અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈશ તો જ બીજા દિવસે ઉગી શકશે. ફૂલ ઉગે છે કરમાવા માટે કારણ કે, ફૂલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફુલ ખિલશે. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.

મોડેલ સ્કુલ મોટી બરાર ખાતે આચાર્ય વર્ગ – 2 તરીકે ફરજ બજાવતા બી.એન.વીડજાનું જીલ્લાશિક્ષણાધિકારી જામનગર ખાતે વર્ગ – 1માં પ્રમોશન થતા શાળા પરિવાર તરફથી બી.એન.વીડજાનો વિદાયસહ શુભેચ્છા સમારોહયોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ ગુરૂજનો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપપ્રાગટય કરી કાર્યક્રમનો દોર આગળ વધ્યો હતો.

આ તકે વિદાયમાન આચાર્ય બી.એન.વીડજા બધાની લાગણીને માન આપી સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. તેમજ ગામના સરપંચ સુરેશભાઈ ડાંગર, ગામના આગેવાન અમુભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાનો ભૂતપૂર્વ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આચાર્ય પર સ્વરચિત કાવ્યો રજુ કરી પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. ગામના સરપંચ, આગેવાનો તથા ભૂતપૂર્વ સ્ટાફ અને હાલના સ્ટાફ એ આચાર્ય સાથેના પોતાના સંસ્મરણો તાજા કર્યા હતા.

શાળા પરિવાર, સરપંચ, ગામના આગેવાનો તથા શાળાના ભૂતપૂર્વ સ્ટાફ દ્વારા આચાર્યની કામગીરીને બિરદાવી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ તકે બી.એન.વીડજા તરફથી 11000 રૂપિયા જેવી માતબર રકમ શાળાને ભેટ આપી હતી. સાથે સાથે ગામના આગેવાન અમુભાઈ ડાંગરે 11000 રૂપિયા તથા શાળાના ભૂતપૂર્વ આચાર્ય મહેશભાઈ ગાંભવાએ 5000 રૂપિયા શાળાને ભેટ સ્વરૂપે આપ્યા હતા. ઉક્ત રકમના વ્યાજ માંથી દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાઓમાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે તેવો એક નવીન ચીલો પાડવામાં આવ્યો. આ જાહેરાત થતા તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક પી. ડી. મેરજા દ્વારા કરવામાં આવેલ હતું અને સંપૂર્ણ વ્યવસ્થા તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી હતી.

અંતે શાળાના હાલના આચાર્ય શ્રીમતિ ડી.એસ.ગરાળાએ આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.