ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીના અદેપર ગામના મંદિરમાં સફાઇ અભિયાન હાથ ધરાયું

મંદિરમાં સફાઈ કરી ધર્મસ્થાનો ખાતે સફાઇ અભિયાનમાં સહભાગી બનતા અદેપરના ગ્રામજનો

સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ભ્રમણ કરી રહ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લાના અદેપર ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથનું આગમન થયું હતું. આ યાત્રા દરમિયાન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ શ્રમદાન કરી અદેપર ખાતે મંદિરની સફાઇ કરી હતી.

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ  દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જે અંતર્ગત મોરબી જીલ્લામાં વિવિધ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સાફ સફાઇ કરવામાં આવી રહી છે.

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ સુત્રને સાર્થક કરતા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મોરબીના અદેપર ગામના મંદિરમાં ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાનમાં ધારાસભ્ય સાથે ગ્રામજનો પણ જોડાયા હતા. મોરબીના અદેપર ગામના મંદિરમાં સાફ સફાઈ કરીને મંદીર પરીસરને સ્વચ્છ અને સુઘડ બનાવવામા આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૨ જાન્યુઆરી સુધી મોરબી જિલ્લામાં ધાર્મિક સ્થળો ખાતે  સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈની પ્રવૃતીઓ હાથ ધરવામાં આવનાર છે.