સરકારી યોજનાઓથી ગ્રામજનો થયા લાભાન્વિત; યોજનાઓથી જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તનોની સાફલ્ય ગાથા રજૂ કરી

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીનાના અધ્યક્ષસ્થાને મોરબીના કોયલી ગામે સરકારી કાર્યક્રમ યોજાયો, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બન્યા ગ્રામજનો

સરકારની તમામ યોજનાના લાભ તેમજ આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યા છે. જેના અનુસંધાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીનાના અધ્યક્ષસ્થાને મોરબીના કોયલી ગામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સચિવ હેમંતકુમાર મીનાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જનમાનસ સુધી જન કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડી શકાય એવા શુભ આશયથી સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેમાં આપણે સૌ સહભાગી બની સરકારની યોજનાઓના લાભ વંચિતો સુધી પહોંચાડવા કટિબદ્ધ બનીએ તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે વિકસિત ભારત અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરાયેલ પ્રજાજોગ સંદેશો સૌ ઉપસ્થિતોએ નિહાળ્યો હતો અને ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સપનાને સાકાર કરવા સંકલ્પ લઈ સૌ કટિબદ્ધ બન્યા હતા.

સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ), પૂર્ણા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ખેતીવાડી વિભાગ હસ્તકની ટ્રેક્ટર તેમજ રોટાવેટરની સાધન સહાયની યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓએ આ લાભ થકી તેમના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તનોની વાત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત રજૂ કરી હતી.

મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના અન્વયે કીટ વિતરણ, ખેતીવાડી વિભાગની સાધન સહાયની યોજનાઓ અન્વયે ટ્રેક્ટર સહાય, પંપસેટ તેમજ તાડપત્રીના મંજૂરી હુકમ વગેરે લાભોથી કોયલીના ગ્રામજનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મહાનુભાવોના હસ્તે કોયલી પ્રાથમિક શાળા તેમજ કૃષ્ણનગર પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ સંરક્ષણ તેમજ વસુધૈવકુટુંબકમ્ નો સંદેશો આપતું નાટક તથા સ્થાનિક સખી મંડળ દ્વારા ધરતી કહે પુકાર કે નાટીકા રજુ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત આયુર્વેદ વિભાગ દ્વારા ખાસ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શ્રી હેમંતકુમાર મીનાએ મુલાકાત લીધી હતી. ઉપરાંત હોમિયોપેથીક દવાઓનો સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અને નિદાન માટેના સ્ટોલ, આઇસીડીએસ વિભાગ અંતર્ગત પૂર્ણા શક્તિ, માતૃશક્તિ, બાલ શક્તિ તેમજ મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓનો પ્રદર્શન, પશુપાલન વિભાગ, ઉજ્જવલા યોજના, બાળ સુરક્ષા એકમ તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સ્ટોલ થકી લોકોને યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ સ્ટોલની હેમંતકુમાર મીનાએ પ્રત્યક્ષ મુલાકાત લઈ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામના ભાગોળે આવેલા ખેતરે જઈને ડ્રોન વડે દવાનો છંટકાવ કરી ખેડૂતોને લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુબોધકુમાર દુદખીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા, જિલ્લા આયુર્વેદ અધિકારી પ્રવીણભાઈ વડાવિયા, મોરબી ઘટક સીડીપીઓ મયૂરીબેન ઉપાધ્યાય સહિત અધિકારી/કર્મચારીઓ, કોયલી ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.